ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયા બાદ રાજ્યભરમાં ચાલી રહેલા ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારે ફાયર એનઓસી વગર ધમધમતા ગેમઝોનના માલિકો તેમજ મેનેજરો અને સંચાલકો વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે 8 જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા ક્રિષ્ના વોટરપાર્ક, વુપી વર્લ્ડ, ફન બ્લાસ્ટ, ઇન્ફીનિટી ગેમ ઝોન, કોસ્મોપ્લેક્સ ખાતે આવેલા ગેમ ઝોન, નોક આઉટ તેમજ વર્લ્ડ ઓફ વન્ડર અને પ્લે પોઇન્ટ સહિતના ગેમ્સના સંચાલકો માલિકો તેમજ મેનેજરો વિરુદ્ધ આઈપીસીની કલમ 336 તેમજ ગુજરાત પોલીસ એક્ટ 131 (A)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના કુવાડવાવ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ક્રિષ્ના વોટરપાર્કમાં 44 વર્ષીય રતનમય મુખર્જી નામનો મેનેજર ગેમ ઝોન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી વોટરપાર્ક ચાલુ કર્યાથી આજ દિવસ સુધી ફાયર સેફટી સર્ટિફિકેટ નહીં હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૂપી વર્લ્ડ ગેમ ઝોન 44 વર્ષીય પંકજ ખોખર નામની વ્યક્તિ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. પંકજ ખોખર નામની વ્યક્તિ પાસે ગેમઝોન બાબતેનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ સલામતીના સાધનો સ્થળ પર ન રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફન બ્લાસ્ટ એન્ટરટેનમેન્ટ એલએલપી ગેમ ઝોન આવેલું છે. જેના માલિક 38 વર્ષીય આશિષ રાઠોડ નામની વ્યક્તિ છે. આશિષ રાઠોડ દ્વારા ગેમ ઝોન ચાલુ કર્યાના આજ દિવસ સુધી ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર નહીં હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં તાલુકા પોલીસ સ્ટેશનની સામે ઇન્ફીનિટી ગેમ ઝોન આવ્યું છે. જે ગેમ ઝોન 27 વર્ષીય રાજ રૈયાણી નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રાજ રૈયાણી પાસે ગેમ ઝોન ચલાવવા બાબતે કોઈપણ જાતનું લાયસન્સ તેમજ સ્થળ પર ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોસ્મોપ્લેક્સ સિનેમામાં 32 વર્ષીય અંકિત બોઘાણી નામની વ્યક્તિ ગેમ ઝોન ચલાવે છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી ગેમ ઝોન ચલાવવા બાબતેનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ ગેમ ઝોનમાં સલામતીના સાધનો પણ રાખવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્લે પોઇન્ટ નામનું ગેમ ઝોન રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. જે ગેમ ઝોન રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલના ત્રીજા માળે ચલાવવામાં આવી રહ્યું છે. જેના સંચાલક તરીકે 40 વર્ષીય ભરત ખાચર નામના વ્યક્તિ કાર્યરત છે. પોલીસ તપાસમાં આરોપી પાસે ગેમ ઝોન ચલાવવા બાબતેનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ સ્થળ પર સલામતીના સાધનો પણ રાખવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે.વર્લ્ડ ઓફ વન્ડર ગેમ ઝોન રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલું છે. જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. જે ગેમ ઝોન 26 વર્ષીય હિતેશ ઓડેદરા નામની વ્યક્તિ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. ગેમ ઝોનના માલિક પાસે ગેમ ઝોન ચલાવવા બાબતેનું લાયસન્સ કે ફાયર સેફ્ટીના પુરા સાધનો રાખવામાં ન આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.