શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયો હતો. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં આગમાં ભડથું થઈ ચૂકેલા 13 જેટલા વ્યક્તિઓની ડીએનએ સેમ્પલના માધ્યમથી ઓળખ થઈ ચૂકી છે. જે તમામની આગમાં બળી ચૂકેલી ડેથ બોડી તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે. ત્યારે રાજકોટના શ્રી વિદ્યા કલ્યાણ ધામના સંસ્થાપક તેમજ જાણીતા ભાગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદી સહિતના નવ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ઘટના સ્થળ ખાતે ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સોમવારના રોજ સાંજના પાંચ વાગ્યે હિરેનભાઈ ત્રિવેદી સહિતના નવ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અગ્નિકાંડ સ્થળ પર આગમાં ભડથું થઈ ચૂકેલા વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે હેતુથી દૂધ, જળ, તલ તેમજ તુલસી અર્પણ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગતિ શનિવારના રોજ સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયો હતો. ત્યારે સમગ્ર ઘટનાને 72 કલાક જેટલો સમય વિતી ગયો છે તેમ છતાં અનેક પરિવારજનોના વ્યક્તિઓ કે જે ટીઆરપી ગેમ ઝોન ખાતે હાજર હતા તેઓ હજુ પણ લાપતા છે. કારણ કે, 28 પૈકી માત્ર 13 જેટલા વ્યક્તિઓના ડેથ બોડીની ડીએનએ સેમ્પલના આધારે ઓળખ થઈ શકી છે. ત્યારે બાકીની ડેથ બોડીના ડીએનએ સેમ્પલ બાબતેની ઓળખ થઈ શકે તે બાબતેની પ્રક્રિયા શરૂ છે. જેના કારણે હજુ પણ કેટલાક પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના સ્વજનના સમાચાર અંગે રાહ જોઈને બેઠા છે.