Gujarat New Railway station: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગુજરાતના પ્રતાપનગર (વડોદરા), ગોધરા, પોરબંદર અને ભક્તિનગર (રાજકોટ) રેલવે સ્ટેશનો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા.
આ ચારેય સ્ટેશનોનો આશરે ₹109 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવ્યો છે. સ્ટેશનોમાં મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે આધુનિક વેઇટિંગ એરિયા, સુધારેલી સ્ટેશન બિલ્ડિંગ, ડિજિટલ માહિતી પ્રણાલી, લિફ્ટ, ફૂટ-ઓવરબ્રિજ, દિવ્યાંગોને અનુકૂળ સુવિધાઓ અને સ્થાનિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ પહેલને ભારતીય રેલવેના આધુનિકીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
આ ચાર સ્ટેશનોના ઉદ્ઘાટન સાથે ગુજરાતમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત રેલવે સ્ટેશનોની કુલ સંખ્યા હવે 22 પર પહોંચી છે. સરકારનું માનવું છે કે આ આધુનિક સ્ટેશનો સ્થાનિક પર્યટન, વેપાર અને પ્રાદેશિક અર્થતંત્રને નવી ગતિ આપશે તેમજ મુસાફરોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ મળશે.




