Chaitar Vasava News: નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasavaની આગેવાનીમાં કેવડિયા જિલ્લા પંચાયતના આમદલા ગામ ખાતે, ગરુડેશ્વર જિલ્લા પંચાયતના અકતેશ્વર ગામ ખાતે, દેવલિયા જિલ્લા પંચાયતના અલવા ગામ ખાતે તેમજ તિલકવાડા જિલ્લા પંચાયતના પહાડ ગામ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની હાજરીમાં આસપાસના ગામોના ગ્રામજનો, આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવા સાથીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જનસભા દરમિયાન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને તેમની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપવામાં આવી હતી. તમામ સમાજના લોકોમાં પરિવર્તનની ઇચ્છા સ્પષ્ટ જોવા મળી હતી.

અલવા ગામે સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે ઉમેદવારી ભરાઈ રહી છે અને તેના પ્રચાર માટે અમે અલવા ગામે આવ્યા છીએ. આ પ્રસંગે મારી સાથે નર્મદા જિલ્લાના ઉમેદવારો, શહેરની જિલ્લા બેઠકના ઉમેદવાર સુરેશભાઈ, તાલુકા બેઠકના ઉમેદવાર સુમિતાબેન તેમજ ગરુડેશ્વર તાલુકાના ઉમેદવારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામ અને આસપાસના વિસ્તારોના વડીલો, યુવકો, માતા-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌને આવકારતા જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી આપણે ભાજપની સરકારને સત્તામાં લાવી છે અને તાલુકા, જિલ્લા, રાજ્ય તથા દેશમાં લાંબા સમયથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે, જેની સ્થિતિ આજે સૌને જાણીતી છે. તેમણે વધુમાં જણાવ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન લોકોમાં એવી માન્યતા હતી કે ગુજરાત ભાજપનું ગઢ છે અને આમ આદમી પાર્ટી આગળ નહીં વધી શકે, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આજે ગુજરાતમાં આશરે 6000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી ઉભા છે અને ભાજપ સામે સાચી ટક્કર હવે આમ આદમી પાર્ટી જ આપી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભાજપના નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે તેઓ હારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી માત્ર કોઈ મોટા નેતાઓની પાર્ટી નથી, પરંતુ સામાન્ય લોકોની પાર્ટી છે, જેમાં સામાન્ય પરિવારોમાંથી આવેલા ઉમેદવારોને તક આપવામાં આવી રહી છે. તેમણે ગ્રામજનોને અપીલ કરી કે તેઓ આ વખતની ચૂંટણીમાં પરિવર્તન માટે આગળ આવે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડે.