Pravin Ram AAP News: આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ Pravin Ram ગીરના ઇકો ઝોન મુદ્દે ખેડૂતોના હિતમાં ફરીથી મેદાનમાં આવીને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ઇકો ઝોન અંગે જે નોટિફિકેશન બહાર પાડ્યું હતું તેની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાના કારણે તે આપોઆપ રદ ગણાય છે. જ્યારે ભાજપના મોટાભાગના નેતાઓ અને અમુક આગેવાનો ઇકો ઝોન લાગુ કરવાના મુદ્દે સરકારની પડખે ઊભા રહ્યા હતા, ત્યારે પ્રવીણ રામે સરકારની વિરુદ્ધમાં જઈને ગીરના ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હતો. ગીરના ખેડૂતોએ તેમની સાથે ખભેથી ખભો મિલાવીને પૂરી તાકાતથી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે સરકારને પીછેહઠ કરવી પડી હતી અને નોટિફિકેશન કાયદામાં તબદીલ થઈ શક્યું નહોતું. આ સફળતા બદલ તેમણે ગીરના તમામ ખેડૂતોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
’આપ’ નેતા પ્રવીણ રામે સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે હવે જો સરકારને ઇકો ઝોન લાગુ કરવો હશે તો નિયમ મુજબ નવું નોટિફિકેશન બહાર પાડવું પડશે. પરંતુ આમ આદમી પાર્ટી અને ગીરના ખેડૂતો કોઈ પણ સંજોગોમાં ગીરમાં ઇકો ઝોન લાગુ થવા નહીં દે. ભવિષ્યમાં જો સરકાર નવું નોટિફિકેશન બહાર પાડશે અને તેમાં ખેડૂતોના વિરોધમાં કે તેમને અન્યાય કરતી કોઈ પણ બાબત હશે, તો ભૂતકાળમાં થયેલા આંદોલન કરતાં પણ બમણી તાકાતથી પ્રવીણ રામ સરકાર સામે લડાઈ લડશે. ગીરના ખેડૂતોના હક અને સ્વાભિમાન માટે તેઓ હંમેશાં ખેડૂતોની પડખે અડીખમ ઊભા રહેશે.




