Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં સરકારી અને સરકારની જમીનોના હકમાં કથિત રીતે શંકાસ્પદ દસ્તાવેજોના આધારે ફેરફાર થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મામલે સરકાર પાસે SIT તપાસની માંગ કરી હતી. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેના આક્ષેપો દસ્તાવેજોની ચકાસણી અને સત્તાવાર તપાસ બાદ જ અંતિમ રીતે સાબિત થશે.

વડોદરાના ખટંબા ગામની 300 કરોડથી વધુની જમીનનો મુદ્દો

કોંગ્રેસે વડોદરા જિલ્લાના ખટંબા ગામની અંદાજે 6 લાખ ચોરસ ફૂટ સરકારી જમીનના કેસને ગંભીર ઉદાહરણ તરીકે રજૂ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, જમીનની અંદાજિત કિંમત રૂ. 300 કરોડથી વધુ છે. સર્વે નં. 155, 157, 168/1 અને 207 પૈકી 2ને લગતા ટેનન્સી કેસો હાલમાં ચાલી રહ્યા હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે જમીનના હકમાં ફેરફાર કરવા માટે કથિત રીતે મરણ પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અને પેઢીનામા જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજોની ખરાઈ અને તેની પાછળની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કોંગ્રેસે કરી છે.

મરણ પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર પર સવાલ

કોંગ્રેસના જણાવ્યા મુજબ, આઝાદ નટવરલાલ પરીખના નામે મરણ પ્રમાણપત્ર રજૂ થયું હતું, જ્યારે સંબંધિત ગામના સત્તાવાર રજિસ્ટરમાં મૃત્યુની નોંધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું કે આ મામલે વર્ષ 2016માં FIR નોંધાઈ હોવાની માહિતી પણ તેને મળી છે.

ત્યારબાદ આ જ વ્યક્તિના નામે ચીફ ઓફિસરની ડિજિટલ સહી, સત્તાવાર સીલ અને QR કોડ ધરાવતું જન્મ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે પ્રમાણપત્ર કઈ તારીખે, કયા અધિકારીના Login/ID પરથી અને કયા મૂળ રેકોર્ડના આધારે જારી થયું હતું. QR કોડ કાર્યરત ન હોવાના દાવાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

પેઢીનામાની ખરાઈ અંગે પણ સવાલ

કોંગ્રેસે પેઢીનામા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેના જણાવ્યા પ્રમાણે, રજૂ થયેલા એક પેઢીનામાના એફિડેવિટમાં રહેલા ફોટો અને સહી તથા તલાટી સમક્ષની ખરાઈમાં રહેલા ફોટો અને સહીમાં કથિત તફાવત જોવા મળે છે. સાક્ષીઓ અને જરૂરી ચકાસણી અંગે પણ સવાલો ઉભા થયા હોવાનો કોંગ્રેસનો દાવો છે.

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે હાલના કૃષિપંચના કેસમાં રજૂ થયેલું અન્ય પેઢીનામું માત્ર એફિડેવિટના આધારે રજૂ કરવામાં આવ્યું છે અને તેની તલાટી સમક્ષ જરૂરી ખરાઈ થઈ નથી. પક્ષે સવાલ કર્યો છે કે મૂળ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી વગર કરોડો રૂપિયાની સરકારી જમીન અંગે હક કેવી રીતે નક્કી થઈ શકે?

‘નકલી ખેડૂત’ બનાવી સરકારી જમીન મેળવવાનું મોડલ?

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં સરકારી જમીન, ખેડૂત તરીકેની પાત્રતા, વારસાઈ અને પેઢીનામા સંબંધિત સમાન પ્રકારની ફરિયાદો કોંગ્રેસને મળી રહી છે. તેથી માત્ર એક વ્યક્તિ કે એક કચેરીનો મામલો ન ગણાવી સમગ્ર પ્રક્રિયાની તપાસ થવી જોઈએ તેવી માંગ તેમણે કરી.

કોંગ્રેસે એવો સવાલ પણ ઉઠાવ્યો કે શું નકલી દસ્તાવેજોના આધારે લોકોને ખેડૂત અથવા વારસદાર તરીકે ઉભા કરી સરકારી જમીન ખાનગી હાથમાં સોંપવાનું કોઈ વ્યવસ્થિત નેટવર્ક કાર્યરત છે? પક્ષે જણાવ્યું કે તેના લીગલ સેલના વકીલો આવી ફરિયાદોના દસ્તાવેજો અને સત્તાવાર રેકોર્ડની તપાસ કરી રહ્યા છે.

કોંગ્રેસના સરકારને 10 સીધા સવાલ

કોંગ્રેસે સરકાર પાસે છેલ્લા 10 વર્ષમાં કેટલી શ્રી સરકારની જમીન ખાનગી વ્યક્તિઓના નામે થઈ, કેટલા કેસોમાં ખેડૂત તરીકે અગાઉ નોંધ ન ધરાવતા લોકોના નામે જમીન થઈ અને કેટલા કેસોમાં પેઢીનામા, વારસાઈ અથવા ખેડૂત પ્રમાણપત્રના આધારે હક બદલાયો તે અંગે માહિતી માંગી છે.

સાથે જ કોંગ્રેસે મૂળ રજિસ્ટર અને Digital Audit Trailની તપાસ, ખોટા દસ્તાવેજોના આધારે થયેલા કેસોમાં FIR અને અધિકારીઓ સામે થયેલી કાર્યવાહી અંગે પણ જવાબ માંગ્યો છે. ખટંબા કેસમાં મૂળ દસ્તાવેજોની ખરાઈ, આઝાદ નટવરલાલ પરીખના જન્મ-મરણ પ્રમાણપત્રોની મૂળ એન્ટ્રી અને Digital Audit Trail જાહેર કરવા તેમજ રમણ વોરા પ્રકરણ સહિતના કેસોની સંયુક્ત તપાસ માટે SIT રચવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસની 8 મુખ્ય માંગણીઓ

કોંગ્રેસે વડોદરા ખટંબા જમીન પ્રકરણ, રમણ વોરા પ્રકરણ અને સમાન ફરિયાદોની તપાસ માટે તાત્કાલિક સ્વતંત્ર SIT રચવાની માંગ કરી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત જમીનોના વેચાણ, હસ્તાંતરણ અથવા તૃતીય પક્ષના હકો ઊભા કરવા પર રોક મૂકવાની પણ માંગ છે.

આ ઉપરાંત મરણ અને જન્મ પ્રમાણપત્ર, પેઢીનામા, એફિડેવિટ, સહી, ફોટો, સીલ અને ડિજિટલ સહીની ફોરેન્સિક તપાસ, Digital Audit Trailની તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને ગેરકાયદેસર રીતે ખાનગી નામે કરવામાં આવેલી સરકારી જમીન સરકારના હકમાં પરત લેવાની માંગ કોંગ્રેસે કરી છે.

કોંગ્રેસે તપાસને ગાંધીનગર સુધી લઈ જવાની અને SITનો અંતિમ રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ કરી છે. અમિત ચાવડાએ કહ્યું કે સરકારી જમીન જનતાની સંપત્તિ છે અને જો આક્ષેપો દસ્તાવેજી તપાસમાં સાચા સાબિત થાય તો જવાબદાર કોઈપણ વ્યક્તિને બચાવવી ન જોઈએ.

કોંગ્રેસે જણાવ્યું છે કે તેની પાસે આવેલી ફરિયાદોની દસ્તાવેજી ખરાઈ પૂર્ણ થયા બાદ જે કેસોમાં પ્રથમદર્શી ગેરરીતિ જણાશે, તે કેસોના પુરાવા, કેસ નંબર અને સંબંધિત સત્તાવાર રેકોર્ડ સાથે તબક્કાવાર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.