Gujarat Congress News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં સિકલ સેલ ડિસીઝની ગંભીર સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 30,521 લોકો સિકલ સેલ ડિસીઝથી પીડિત છે, જે દેશના આદિવાસી વસ્તી ધરાવતા 17 રાજ્યોમાં ત્રીજા ક્રમે છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતના 13 આદિવાસી જિલ્લાઓમાં એક કરોડથી વધુ આદિવાસી વસ્તી વસે છે અને આ વિસ્તારોમાં રોગનું પ્રમાણ ચિંતાજનક છે.
ડૉ. કઠવાડિયાએ જણાવ્યું કે દેશમાં ઓડિશામાં 1,06,255 અને મધ્યપ્રદેશમાં 40,436 દર્દીઓ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. તેમણે વધુમાં દાવો કર્યો કે રાજ્યમાં માત્ર દર્દીઓ જ નહીં પરંતુ સિકલ સેલ કેરિયર્સની સંખ્યા પણ ખૂબ મોટી છે. સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી 83.66 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાં 5,48,820 લોકો સિકલ સેલ કેરિયર તરીકે ઓળખાયા છે. દેશના કુલ સિકલ સેલ કેરિયર્સમાંથી અંદાજે 25 ટકા કેસ ગુજરાતમાં હોવાનું તેમણે જણાવ્યું.
કોંગ્રેસે સરકાર દ્વારા રજૂ કરાયેલા ઉંમરવાર આંકડાનો પણ ઉલ્લેખ કર્યો. તેના અનુસાર રાજ્યમાં 2 વર્ષ સુધીના 64, 2થી10 વર્ષના 2,421, 10થી18 વર્ષના 7,186, 18થી25 વર્ષના 7,004, 25થી40 વર્ષના 9,327 અને 40 વર્ષથી વધુ ઉંમરના 4,476 દર્દીઓ નોંધાયા છે. ઉપરાંત 47 દર્દીઓ એવા છે જેમની ઉંમરની વિગતો ઉપલબ્ધ નથી. જ્યારે સિકલ સેલ કેરિયર્સમાં 25થી40 વર્ષની વયજૂથમાં સૌથી વધુ 1,84,842 અને 40 વર્ષથી વધુ ઉંમરમાં 1,29,946 લોકો નોંધાયા હોવાનું જણાવાયું.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલના દર્દીઓને પૂરતી સારવાર, દવાઓ અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર વધુ અસરકારક પગલાં ભરે તેવી જરૂર છે. સાથે જ સિકલ સેલ કેરિયર્સ માટે મોટા પાયે જાગૃતિ અભિયાન અને જિનેટિક કાઉન્સેલિંગ શરૂ કરવાની માંગ કરવામાં આવી, જેથી ભવિષ્યમાં સિકલ સેલના નવા દર્દીઓની સંખ્યામાં વધારો અટકાવી શકાય.
કોંગ્રેસના જણાવ્યા મુજબ સિકલ સેલ ડિસીઝ માત્ર આરોગ્યનો નહીં પરંતુ સામાજિક અને જાહેર આરોગ્યનો પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં સ્ક્રીનિંગ, સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને જાગૃતિ કાર્યક્રમોને વધુ મજબૂત બનાવી દર્દીઓ અને તેમના પરિવારોને સમયસર સહાય પૂરી પાડવી જોઈએ.




