Yuvrajsinh Jadeja AAP: આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 23 એપ્રિલ 2026ના રોજ મેટ્રોપોલિટન કેમિકલ પ્રા. લિ.માં લાગેલી આગ માત્ર એક અકસ્માત નથી, પણ કંપનીની ગુનાહિત બેદરકારી અને વહીવટી તંત્રની મીલીભગતનું પરિણામ છે. 16 કામદારો દાઝી ગયા અને 2 પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા, છતાં 5 દિવસ સુધી પોલીસ અને સરકારના પેટનું પાણી કેમ ન હલ્યું? ત્યારબાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પીડિતોના ન્યાય અને વળતરની માંગણી સાથે ફેક્ટરીએ પહોંચે છે પરંતુ ત્યાં પોલીસ અને ભાજપના આગેવાનો સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે અને તેમને હેરાન કરવામાં આવે છે. હકીકતમાં ભાજપના આગેવાન મૂળ વાતથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બીજી બાજુ ગઈકાલે આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત અને અનેક તાલુકા પંચાયતમાં જીત મેળવી, અને હવે ધારાસભ્ય ચૈતર વસાવા પર 3-3 એફઆઇઆર કરવામાં આવી છે. આ ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવાનું કાવતરું છે.
વધુમાં, યુવા નેતા Yuvrajsinh Jadejaએ જણાવ્યું હતું કે, અમને લાગે છે કે પોલીસ અને સરકારી તંત્ર કંપનીને બચાવી રહ્યા છે. તો મારો સવાલ છે કે શું હપ્તો પહોંચી રહ્યો છે? જ્યારે પીડિત પરિવારો ન્યાય માટે ટળવળતા હતા, ત્યારે પોલીસ અને GPCB મૌન કેમ હતા? શું આ મૌન પાછળ ‘માસિક હપ્તા’ની મજબૂતી હતી? જેવી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ અને અવાજ ઉઠાવ્યો, કે તરત જ ક્લોઝર નોટિસ ફટકારાઈ. જો ચૈતરભાઈ ન ગયા હોત, તો શું તંત્ર આ અંધેરમાં જ રહેવાનું હતું? તો સવાલ થાય છે કે FIR કોની ઉપર થાય? ગુનેગાર પર કે ન્યાય માંગનાર પર? કાયદાનો નિયમ કહે છે કે પ્રાઈમફેસી (પ્રાથમિક તારણ) કાઢીને કંપનીના માલિકો પર ‘સાપરાધ માનવ વધ’ (Culpable Homicide) નો ગુનો નોંધવો જોઈએ. તેના બદલે, પોલીસે શું કર્યું? કંપનીના સંચાલકોને સુરક્ષિત કવચ આપ્યું. પીડિતોના હક માટે લડનારા જનપ્રતિનિધિ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર 3-3 FIR ઠોકી દેવામાં આવે છે. પરંતુ સરકાર યાદ રાખે કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એકલા નથી, અમે ખભેથી ખભો મિલાવીને તેમની સાથે ઉભા છીએ. મજૂરોને સાથે રાખીને જો અમને જેલભરો આંદોલન કરવું પડ્યું તો એના માટે પણ અમારી તૈયારી છે. અમે ભાજપથી કે જેલથી ડરતા નથી, અમે તેમની આંખોમાં આંખો નાખીને લડવાવાળા લોકો છીએ.




