2023માં પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાન(SRK)ના મુંબઈના બંગલા ‘મન્નત’માં બળજબરીથી પ્રવેશ કરનાર એક વ્યક્તિની હવે ગુજરાતના ભરૂચમાં ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. Gujarat પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે રામસ્વરૂપ કુશવાહ (21)ની ભરૂચમાં એક નિવૃત્ત આર્મી મેનના ઘરેથી ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
2.74 લાખની ચોરી
નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલે જણાવ્યું હતું કે આરોપી રામસ્વરૂપ કુશવાહા અન્ય એક વ્યક્તિ સાથે ચાર દિવસ પહેલા ઘરમાં ઘુસી ગયો હતો અને ત્યાંથી રૂ. 2.74 લાખથી વધુની કિંમતની સોના-ચાંદીની વસ્તુઓની ચોરી કરી હતી. નાયબ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન કુશવાહાએ પોલીસને જણાવ્યું કે આ પહેલા તેણે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં અભિનેતા શાહરૂખ ખાનના બંગલા મન્નતમાંથી પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
શાહરૂખ ખાનના બંગલામાંથી ચોરીનો પ્રયાસ
કુશવાહાએ જણાવ્યું કે હાઈ સિક્યોરિટી કોર્ડન તોડીને શાહરૂખ ખાન(SRK)ના બંગલામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ખાનના સિક્યુરિટી ગાર્ડે કુશવાહ અને તેની સાથે રહેલા વ્યક્તિને પકડી લીધો હતો. આ કેસમાં બંનેને 2 મે, 2023ના રોજ સવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, કુશવાહા અને મિન્હાજ સિંધાની ભરૂચ બી ડિવિઝન પોલીસે મોના પાર્ક સોસાયટીમાં એક મકાનમાં ઘરફોડ ચોરીના આરોપસર ધરપકડ કરી છે. અમે તેમની પાસેથી 2.74 લાખ રૂપિયાની ચોરાયેલી વસ્તુઓ રિકવર કરી છે.