Mahisagar: મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગુરુવારે (4 સપ્ટેમ્બર) અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાતા લુણાવાડા તાલુકાના તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ભયાનક દુર્ઘટના બની હતી. પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં પ્લાન્ટના અંદરના કૂવામાં કામ કરી રહેલા પાંચ શ્રમિક પાણીના ઘોર પ્રવાહમાં સપડાઈ ગયા હતા. ઘટનાને હવે લગભગ 40 કલાક વીતી ચૂક્યા છે અને આ દરમિયાન વડોદરાની ફાયર બ્રિગેડ સાથે એન.ડી.આર.એફની ટીમે ચાર શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે હજુ એક કર્મચારીની તલાશ જારી છે.
સ્થળ પર શિક્ષણ મંત્રીની મુલાકાત
આ દુર્ઘટના બાદ આજે (6 સપ્ટેમ્બર) રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી અને બચાવ કામગીરી ઝડપી કરવામાં આવે તેવી સૂચના આપી હતી. સાથે જ મૃતક પરિવારોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.
કંપની દ્વારા સહાયની જાહેરાત
અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ ઘટનાથી શોક વ્યક્ત કરતાં મૃતક શ્રમિકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે, શ્રમિકોના પરિવારોને સહાય પૂરી પાડવી તેમનો નૈતિક ફરજ છે.
મૃતક શ્રમિકોની ઓળખ
આ દુર્ઘટનામાં ગુમ થયેલા પાંચ શ્રમિકોમાંથી ચારના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ આ પ્રમાણે કરવામાં આવી છે:
- નરેન્દ્રકુમાર સોલંકી – ગોધરા
- શૈલેષકુમાર – દોલતપુરા
- શૈલેષભાઈ માછી – દોલતપુરા
- અરવિંદભાઈ ડામોર – આકલિયા
જ્યારે એક શ્રમિકની શોધખોળ ફાયર ટીમો અને એન.ડી.આર.એફની ટીમ દ્વારા ચાલુ છે.
કેવી રીતે બન્યો બનાવ?
4 સપ્ટેમ્બરના રોજ બપોરે લગભગ ત્રણ વાગ્યે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના અંદર અચાનક દુર્ઘટના બની હતી. બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “પ્લાન્ટની અંદર લગભગ 200 ફૂટ નીચે અચાનક બ્લાસ્ટ થયો અને ભારે જોરથી પાણીનો પ્રવાહ અંદર ઘૂસી આવ્યો. એટલી ઝડપથી પરિસ્થિતિ બદલાઈ ગઈ કે કોઈને પોતાનો જીવ બચાવવાનો પૂરતો સમય જ ન મળ્યો.”
તે સમયે અંદર આશરે 15થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તેમાંના દસ જેટલા કર્મચારીઓ બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ લાકડું કે સાધન પકડી શક્યા તેઓ બચી ગયા. પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રચંડ પ્રવાહમાં સપડાઈ ગયા અને બહાર આવી શક્યા ન હતા.
તંત્રની કામગીરી
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર ટીમ અને એન.ડી.આર.એફની ટીમોને બચાવ કામગીરી માટે તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. અંધકાર અને પાણીના પ્રચંડ પ્રવાહને કારણે કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 40 કલાકની જહેમત બાદ ચાર મૃતદેહ મળી આવ્યા છે. હજી પણ એક શ્રમિકની શોધખોળ રાત્રિ-દિવસના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે.
લોકોમાં ચકચાર
આ દુર્ઘટના બાદ દોલતપુરા અને આસપાસના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક શ્રમિકોના પરિવારજનો શોકમગ્ન છે, તો બીજી બાજુ ગ્રામજનોમાં આ ઘટના અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોનું માનવું છે કે ડેમમાંથી પાણી છોડતા પહેલા પૂરતી ચેતવણી આપવામાં આવી નહોતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો
- Sulakshana pandit: સુપ્રસિદ્ધ ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે અવસાન
- America મધ્ય પૂર્વમાં 19 સ્થળોએ હાજર છે. હવે તે દમાસ્કસમાં સૈનિકો કેમ તૈનાત કરી રહ્યું છે?
- Türkiye માં શાંતિ મંત્રણા ચાલુ છે, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બીજો હુમલો કર્યો છે
- Somalia: ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલું જહાજ સોમાલિયાથી કબજે; ચાંચિયાઓને શંકા
- Pm Modi એ કહ્યું, “પ્રથમ તબક્કાના મતદાનમાં NDAને મોટી લીડ મળી છે, આવતીકાલે બે સ્થળોએ ચર્ચા થશે.”





