દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. લોકસભા 2024ની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આજે ગુજરાતમાં ભાજપ 26 બેઠકો જીતીને હેટ્રિક મારશે કે કોંગ્રેસ થોડી બેઠકો મેળવી શકશે એ જોવાનું રહ્યું.આજે ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 બેઠકોનું પરિણામ જાહેર થશે. ગુજરાતની 25 બેઠક ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો સહિતનું પરિણામ જાહેર થશે.તમામ નજર બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

ભાજપ માટે ચિંતાનો વિષય ઉભી કરતી બનાસકાંઠા સીટના પરિણામ લઈને તમામ લોકો મીટ માંડીને બેઠા છે. ભાજપની ચિંતા વધારતી બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન આગળ ચાલી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં બે રાઉન્ડમાં 80 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગર બેઠક 35 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. આ બેઠક પર 1989માં ભાજપની પહેલી વખત જીત થઈ હતી. જ્યારે પ્રથમ રાઉન્ડના અંતે ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ છે.

શરૂઆતના વલણોમાં કોંગ્રેસના ઉમેદવાર સાબરકાંઠામાં આગળ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર પણ બદલવો પડ્યો હતો અને પુરુષને બદલે મહિલા ઉમેદવારને મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. તુષાર ચૌધરી સામે ભાજપે સરકારી પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા હતા.