kheda: પિતાએ પોતાની સગી સાત વર્ષની દીકરીને કેનાલમાં નાખી હત્યા કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ચેલાવત નજીક આવેલા માલવણ ગામે બન્યો છે. દીકરાની ખેવના ધરાવતા પિતાએ પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતો હોવાનો આક્ષેપ મૃતકના મોસાળ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર પંથકમાં હાહાકાર મચી છે.
આ મામલે મૃતક દિકરી ભૂમિકાના મોસાળ પક્ષના દાદાએ પોલીસને લેખિત ફરીયાદ આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મૃતક ભૂમિકાનો જન્મ થયો ત્યારથી જ તેના પિતા વિજયભાઈ સોલંકી (રહે.માલવણ, કઠલાલ) દીકરીને સ્વીકારી શક્યા ન હતા. આ કારણે જ દિકરીની માતા અંજનાબેન સોલંકીએ પુત્રી ભૂમિકાને પોતાના પિયર કપડવંજના ઘઉંઆ ગામે મોકલી દીધી હતી.
ગુરુપૂર્ણિમા, એટલે કે 10 જુલાઈના રોજ, પિતા વિજયભાઈ સોલંકી, માતા અંજનાબેન સોલંકી અને સાત વર્ષની દીકરી ભૂમિકાબેન સોલંકી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા બાઈક પર નીકળ્યા હતા. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પરના વાઘાવત પુલ ખાતે, પિતા વિજયે પગમાં ખાલી ચઢી છે તેવું કહી એકાએક બાઈક ઊભું રાખ્યું હતું. તે બાદ દિકરીને કેનાલની પારી પર ઉભી રાખી તેને ધક્કો મારી દીધો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

ગુરુપૂર્ણિમાની રાત્રે મૃતક ભૂમિકાના મોસાળ પક્ષના મામા અવિનાશભાઈ ચૌહાણ ઉપર ફોન આવ્યો અને તેમને ભૂમિકાને કેનાલમાં ફેંકી દીધાની જાણ થઈ. મોસાળ પક્ષના લગભગ 50 જેટલા લોકો વઘાવત કેનાલ ઉપર પહોંચ્યા અને પોલીસને બોલાવી હતી. પોલીસે શોધખોળ 11 જુલાઈના રોજ બે કલાકની જહેમત બાદ બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ દીકરીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો.
મૃતદેહ મળ્યા બાદ પોલીસે માતા-પિતાની પૂછપરછ કરતા બંને એકબીજા ઉપર આક્ષેપો કરવા લાગ્યા હતા. માતા અંજનાએ પતિ વિજય પર દીકરીને કેનાલમાં ફેંકી દેવાનો આરોપ લગાવ્યો, તો બીજી તરફ પિતા વિજય સોલંકીએ કથિત રીતે જણાવ્યું કે દીકરી ન ગમતી હોવાના કારણે અને દીકરો ન હોવાથી ક્રોધમાં આવી જઈ, “દીકરો મેળવવા માટે માતાજીને બલી ચઢાવી છે” તેમ કહી દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી.
પોલીસે આરોપીઓને છાવર્યા હોવાનો પણ ગંભીર આરોપ
પોલીસ દ્વારા માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, મૃતક દીકરીના મોસાળ પક્ષના પરિવારમાંથી મામા અવિનાશભાઈ ચૌહાણ અને નાના ભલાભાઈ ચૌહાણ દ્વારા નિષ્પક્ષ તપાસ અને ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. નાના ભલાભાઈ ચૌહાણે આતરસુંબા પોલીસમાં ફરિયાદ દાખલ કરવાનું કહેતા, પોલીસે “તમે ફરિયાદ ન આપી શકો” તેમ કહી ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો
- Sports News: હાર્દિક પંડ્યા વિવાદમાં ફસાયો! મહારાષ્ટ્ર પછી હવે ઉત્તર પ્રદેશમાં ફરિયાદ દાખલ
- Chhota Udaipur: શાકભાજી નીચે છુપાયેલો હતો દારૂ! મધ્યપ્રદેશના વડોદરા લઈ જવામાં આવી રહેલ બોડેલી નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો
- Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા સામે NSUIનો વિરોધ, સિનિયર ક્લાર્કની ભરતીમાં અનિયમિતતાની ફરિયાદ
- Ahmedabad: ગેસ સિલિન્ડરની અછતને કારણે મણિનગરમાં આવેલ સ્વામિનારાયણ રેસ્ટોરન્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરાયું
- Panchmahal: કડાણા ડેમથી વિસ્થાપિત થયેલા લોકો માટે જમીન ખાલી કરાવવા વહીવટી કાર્યવાહી, બામરોલીમાં 50 વિરોધીઓને નોટિસ ફટકારવામાં આવી





