Dharmesh Bhanderi AAP: આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ વિડીયોના માધ્યમથી જણાવ્યુ હતુ કે સુરત શહેર, જે રાજ્યના ગૃહમંત્રીનું હોમટાઉન અને કેન્દ્રીય મંત્રીનું મતવિસ્તાર ગણાય છે, ત્યાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતા જય દલાલની સરેઆમ હત્યા થવી અત્યંત ગંભીર બાબત છે. તેમણે સ્વ. જય દલાલના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ પણ સુરક્ષિત નથી ત્યારે સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે તે વિચારવાનો વિષય છે. સુરતમાં રોજબરોજ હત્યા, લૂંટ અને ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો કે જે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, તેનો ઉપયોગ સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

AAP નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતુ કે ઇન્ટેલિજન્સ અને પોલીસ તંત્રનું કામ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનું છે, પરંતુ આજે તે સામાન્ય જનતાની સુરક્ષા કરતાં રાજકીય વિરોધીઓને ટાર્ગેટ કરવામાં વધુ વ્યસ્ત દેખાઈ રહ્યું છે. વિપક્ષ શું કામ કરે છે અને વિપક્ષના નેતાઓને દબોચવાનું કામ જ્યારે પોલીસને પ્રાથમિકતા સાથે સોંપવામાં આવે છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જાય છે. તેનું ઉદાહરણ ઉધના વિસ્તારમાં ભાજપના એક કાર્યકર્તાની થયેલી હત્યા છે. સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે, ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. પોલીસનો ડર સામાન્ય માણસમાં વધી ગયો છે, પરંતુ ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગુનેગારોને ગુનાઓ માટે પ્રોત્સાહન મળતું હોય એવી સ્થિતિ સર્જાઈ રહી છે અને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે તેઓ સત્તા પક્ષ સાથે જોડાઈ જાય છે, જેના કારણે સામાન્ય માણસ પોતે અસુરક્ષા અનુભવે છે. આપણે સૌએ વિચારવું જોઈએ કે સુરત શહેરની આવી સ્થિતિ માટે જવાબદાર કોણ છે અને કાયદો-વ્યવસ્થાના ધજાગરા કોણે ઉડાવ્યા છે. પોલીસ તંત્રને વિનંતી છે કે સત્તા પક્ષની ગુલામી છોડીને સુરત શહેરને સુરક્ષિત બનાવવા તરફ ધ્યાન આપે. એવી આમ આદમી પાર્ટીની માંગ છે.