મોરબી જિલ્લામાં ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો તેમજ યુવા મતદારો સહિત તમામ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવા મદદ પણ કરવામાં આવી રહી છે.

ત્યારે ચૂંટણી તંત્ર અને પોલીસ સ્ટાફની મદદથી મતદાન કરતા દિવ્યાંગ મતદાર જણાવે છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તેમજ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગોને મતદાન કરવા ઘરેથી લઇ મતદાન મથક સુધી જોઈએ તો વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે વ્યવસ્થા અમને મતદાન કરવામાં ખરેખર મદદરૂપ સાબિત થઈ રહી છે. મતદાન મથક પરનો ચૂંટણી સ્ટાફ અને પોલીસનો સ્ટાફ અમને મતદાન કરાવવામાં ખરેખર મદદ કરી રહ્યો છે જે માટે અમે તમામના આભારી છીએ.

કોઈ મતદાર તેમના મત અધિકારથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે મતદાન મથક પર મતદારો અને ખાસ કરીને વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને કોઈ અગવડતા ન રહે તે માટે ચૂંટણી તંત્રનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ ખડે પગે છે. તેમના દ્વારા સંવેદના દાખવી મતદારોને મતદાન કરાવવામાં મદદ કરવામાં આવી રહી છે.

ઉપરાંત, મતદારોને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવિશેષ બુથ પણ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ટંકારાનાં ભૂતકોટડા ગામે આવેલ બુથનું સંચાલન દિવ્યાંગો દ્વારા કરવામા આવી રહ્યું છે. દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ અન્ય લોકોને મતદાન કરવા માટે સહયોગ આપી રહ્યા છે, તો સમગ્ર સંચાલન દિવ્યાંગ કરતા હોવાથી મતદારોમાં પણ મતદાન માટેની પ્રેરણા મળી રહી છે. દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ  વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી રહ્યા છે.