Manoj Sorathia News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ એક અત્યંત ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, શું ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીઓ અને કલેક્ટરોના ઘરે વિજળી જતી હશે? જો એમના ઘરે વીજળી ન જતી હોય પરંતુ આપણા ઘરે ગમે ત્યારે વીજળી જતી રહે એનું શું? અઠવાડિયામાં એક દિવસ એવો હોય કે આખો દિવસ વીજળી જતી રહે એનું શું? આપણા ઉદ્યોગોની ગમે ત્યારે વીજળી કપાઈ જાય, એક તરફ તો આપણે મંદીનો સામનો કરી રહ્યા છીએ, એવા સમયે ઉદ્યોગોની વીજળી કાપી નાખવી, ઘરની વીજળી કાપી નાખવી, ખેડૂતોને પણ ટાઈમ પર ખેતીની વીજળી ન આપવી અને કપાઈ જવી, આવા વીજળીના ધાંધિયા ચાલી રહ્યા છે અને એક પાર્ટી 30 વર્ષથી સત્તામાં છે તેમ છતાં પણ આ પરિસ્થિતિ છે તો આના માટે કોણ જવાબદાર?

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા Manoj Sorathiaએ જણાવ્યું હતું કે, બુદ્ધિહીન શાસકો છેલ્લા 30 વર્ષથી કરે છે શું? શા માટે ગુજરાતને પૂરતી વીજળી મળી શકતી નથી? હજુ સુધી શિયાળો આવ્યો નથી ત્યાં તો ભાજપના મંદબુદ્ધિ શાસકોના પ્રતાપે વીજ ધાંધિયા થઈ રહ્યા છે. જેના કારણે આજે આખું ગુજરાત પીડાઈ રહ્યું છે. આ વાત આપણે જાણવી જોઈએ કે સત્તામાં બેઠેલા લોકો માટે પ્રજાના સુખ દુઃખ મહત્વ રાખતા નથી, એ લોકોને પ્રજાના સુખ-દુઃખની કાંઈ પડી નથી. આવા સમયમાં શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે એવી જ માત્ર આપણી પ્રાર્થના કરી શકીએ છીએ કારણ કે એ લોકો કામ કરશે એવી આશા આપણે રાખી શકીએ એમ નથી.