Ramesh Meer AAP News: આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરએ ચોટીલા વિસ્તારના રાજાવાડ અને આજુબાજુના 18 થી 20 જેટલા ગામોના માલધારી સમાજની કફોડી હાલત અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા તેમજ દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે માલધારી સમાજના આગેવાન સહિતના ગ્રામજનો હિજરત કરવા મજબૂર બન્યા છે અને હાલ અલગ અલગ ગામોમાં જંગલમાં ખુલ્લામાં રહેવાસ કરી રહ્યા છે. ચૂંટણી સમયે મત મેળવવા માટે માલધારી સમાજને ભોળવતા નેતાઓ અને છેલ્લા ૩૦ વર્ષથી સત્તામાં બેઠેલી સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યુ હતુ કે એક તરફ ગાયને માતા ગણીને મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ સરકારની બેદરકારીના કારણે આજે માલધારીઓની ગાયોને ૨૫ કિલોમીટર સુધી ભટકવું પડે છે અને નાના બાળકો કપડાં વગર રખડે છે છતાં શાસકો કે આગેવાનોની આબરૂ જતી નથી.

વધુમાં રમેશ મેરએ અધિકારીઓ અને સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ગામડાઓમાં પીવા કે ન્હાવા માટે તો ઠીક પરંતુ પશુઓને પાવા માટે પણ પાણી નથી મળતું, જ્યારે એસી ઓફિસમાં બેસીને બિસ્લેરીનું પાણી પીતા અધિકારીઓને પ્રજાની આ વેદના દેખાતી નથી કારણ કે આ બિસ્લેરીનું પાણી પણ પ્રજાના પરસેવાના પૈસાથી આવે છે. જો સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચોટીલા વિસ્તારમાં પીવાના પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરી માલધારીઓની હિજરત અટકાવવામાં નહીં આવે, તો આ તમામ લોકો પોતાના માલઢોર અને બાળબચ્ચા સાથે સીધા સરકારી અધિકારીઓની ઓફિસોની આજુબાજુ જઈને બેસી જશે અને ના છૂટકે ગાંધીચિંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી.