Isudan Gadhvi News: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviની ઉપસ્થિતમાં ધોરાજીના નાની પરબડી-મોટી પરબડીમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ હતી તેમજ ધોરાજીના મોટી મરડ, સુપેડી, દુમિયાણીમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વિજય વિશ્વાસ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધન કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અહંકાર, અત્યાચાર અને ભ્રષ્ટાચાર વધ્યા છે ત્યારે તેનું અંત નિશ્ચિત થયું છે. ભગવાન કૃષ્ણે પણ અન્યાય અને અહંકાર સામે લડત આપી હતી. તેથી આજે પણ સમય આવી ગયો છે કે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લોકો એકજૂટ થાય. તેમણે કહ્યું કે અહીં ઘણા લોકો એવા હશે જેમના સગા-સંબંધીઓ ભાજપમાંથી કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હશે, પરંતુ હું તમને વિનંતી કરું છું કે પક્ષપાત છોડીને સત્ય અને જનહિતના આધાર પર નિર્ણય લો. ભગવાન કૃષ્ણે પણ સંદેશ આપ્યો હતો કે વ્યક્તિથી ઉપર ઉઠીને ધર્મ અને સત્યનો સાથ આપવો જોઈએ. ઇસુદાન ગઢવીએ ખેડૂતોની સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઉપલેટા, ગોંડલ અને અન્ય માર્કેટયાર્ડોમાં ખેડૂતોને કલાકો સુધી નહીં, પરંતુ દિવસો સુધી ટેકટરમાં માલ ભરીને લાઈનમાં ઊભા રહેવું પડે છે. વેપારીઓ મનફાવે તેમ ભાવ નક્કી કરે છે અને જો ખેડૂતને એ ભાવ મંજૂર ન હોય તો તેને ટેકટરનું ભાડું, સમય અને મહેનત બધી ગુમાવવી પડે છે. ખેડૂત રાત-રાતભર જાગીને મહેનત કરે છે અને પછી મતદાન વખતે ફરી એ જ લોકોને મત આપે છે, ત્યારે દુઃખ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ઉદ્યોગપતિઓ સામે નહીં, પરંતુ જનતાના હકો માટે લડી રહ્યા છીએ. ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ ઉદ્યોગપતિઓના હિત માટે કામ કરે છે, જ્યારે આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે અવાજ ઉઠાવે છે. જો ઉદ્યોગપતિઓ અમારી સામે નારાજ થાય તો પણ અમને વાંધો નથી, કારણ કે અમે લોકોના હિત માટે લડી રહ્યા છીએ.
આપ નેતા ઇસુદાન ગઢવીએ ભાવુક અપીલ કરતાં કહ્યું કે જે લોકો ઝેરી પાણી પી રહ્યા છે, કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે અને પીડાઈ રહ્યા છે, તેઓ જ જો ફરીથી કમળના નિશાન પર મત આપશે તો પછી અમે કોના માટે લડીએ? આ પીડા આજે સાચી છે અને આ દુઃખ વાસ્તવિક છે. આ જીવન થોડા સમયનું છે, આજે હું છું, કાલે બીજો હશે, પરંતુ લોકો માટે સારા કામો અને સારા નિર્ણયોની યાદ રહે છે. તેથી હવે સમય આવી ગયો છે કે ખેડૂતો, ગરીબો અને સામાન્ય લોકોની સરકાર બનાવવા માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારા હકો માટે લડે છે, ત્યારે તેને સમર્થન આપવાની જરૂર છે. અમે કોઈ સ્વાર્થ માટે રાજકારણમાં આવ્યા નથી, પરંતુ ખેડૂતો, ગરીબો અને સામાન્ય લોકોના હકો માટે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જો 2022માં અમારી સરકાર બની હોત, તો ખેડૂતોનું દેવું માફ થઈ ગયું હોત. ખેડૂતોને દિવસ દરમિયાન મફત વીજળી મળી હોત, ખેતી માટે જરૂરી સુવિધાઓ મફતમાં કે સસ્તામાં મળી હોત અને APMCમાં ખેડૂતો પર લાગતા અનેક બોજા દૂર થઈ ગયા હોત. આજે ખેડૂતો મગફળી, કપાસ અને અન્ય પાકમાં નુકસાન ભોગવી રહ્યા છે, તેમનું ઘર લાલ ખેંચાઈ જાય છે, છતાં સરકાર કોઈ યોગ્ય વ્યવસ્થા કરતી નથી. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અમે એવી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ કે જેમાં ખેડૂતના ખેતરમાં કોઈ પણ ગેરકાયદેસર દખલ ન કરી શકે. પોલીસ કે સત્તાવાળાઓ કોઈની તાકાતથી ખેડૂતની જમીનમાં દખલ ન કરે એવી મજબૂત કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી નથી. ઘણા ખેડૂતોએ ખૂબ નુકસાન સહન કર્યું છે, પરંતુ સરકાર તરફથી યોગ્ય મદદ મળતી નથી. એક નેતાએ મને કહ્યું હતું કે ખેડૂતો ચૂંટણીના દિવસે તો એકતા બતાવે છે, પરંતુ સાંજે ફરી જાતિ-ધર્મમાં વહેંચાઈ જાય છે, તેથી તેમના પ્રશ્નો હલ થતા નથી. આ વાત કડવી છે, પરંતુ સાચી છે.
ઇસુદાન ગઢવીએ ખેડૂતોને અપીલ કરતાં કહ્યું કે સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી આપણે સૌ ખેડૂત હોઈએ છીએ, પરંતુ સાંજે ફરી જાતિ અને સમાજમાં વહેંચાઈ જઈએ છીએ.હું કોળી છું, હું ઠાકોર છું, હું પટેલ છું, હું રબારી છું અને ખેડૂત હોવાનો ભાવ ભૂલી જઈએ છીએ. આ બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે આજના સમયમાં ઘણા લોકો પોતાના દીકરાને ખેડૂત બનાવવા માંગતા નથી, કારણ કે ખેતીમાં મુશ્કેલીઓ વધી ગઈ છે. આ પરિસ્થિતિ બદલવા માટે જ અમે રાજકારણમાં આવ્યા છીએ. આજે જો લોકો પોતાના અંતરાત્માને જાગૃત નહીં કરે, તો પછી ક્યારેય પરિવર્તન નહીં આવે. લોકો ઝેરી અને લાલ પાણી પીવા મજબૂર છે. ત્યારે પ્રશ્ન થાય છે કે અમે આખરે કોના માટે લડી રહ્યા છીએ? ઘણીવાર તો અમને પણ સમજાતું નથી કે લોકોની પીડા માટે અવાજ ઉઠાવીએ અને એ જ લોકો ફરીથી તેમને જ મત આપે છે જે તેમની સમસ્યાઓનું કારણ છે. આટલી તકલીફોમાં પણ જો કોઈ નિસ્વાર્થભાવે તમારા માટે લડી રહ્યું હોય, તો એનો વિચાર કરો. અમે રાજકારણમાં કોઈ સ્વાર્થ માટે આવ્યા નથી. અમે લોકોના હકો, ન્યાય અને વિકાસ માટે રાજકારણમાં આવ્યા છીએ.




