Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, “ગોપાલ ઇટાલીયાને લકવો થઈ જશે” ’વાણીયાના છોકરા’ ની હાજરીમાં ભરવાડના છોકરાએ આવું સ્ટેટમેન્ટ આપ્યું. વાણીયાનો છોકરો ગૃહમંત્રી છે, તો ભરવાડના છોકરાએ કહેવાનું હતું કે આખા ગુજરાતના બુટલેગરોને લકવો થઈ જાય. તો કેટલાય દીકરાઓ બચી જાય. કેટલીય બહેનોના પતિ બચી જાય. વારંવાર લઠ્ઠાકાંડ થાય છે તેના કારણે કોઈએ પતિ, કોઈએ બાપ, કોઈએ ભાઈ ગુમાવવો પડે છે. ગોપાલ ઇટાલીયાને નહિ પરંતુ બુટલેગરોને લકવો થાત તો ગુજરાતને એનો કંઇ ફાયદો થાત. અમે એવું શું બોલી નાખ્યું જેના કારણે તમે અમારા મોઢા બંધ કરાવવા માંગો છો? હજુ તો અમે દેશના યુવાન તરીકે ઉગીને ઉભા થયા છીએ અને અમને લાગ્યું કે અમારા માવતર જેવા ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો વિશે મારે બોલવું જોઈએ તો અમે બોલ્યા અને અમને લકવો થવાની વાત આવી. આખા ગુજરાતમાં ગામડે ગામડે ભાજપના ગુંડાઓએ ગૌચર પર મકાનો બનાવી દીધા છે. પણ એ લોકોને લકવો થશે એની વાતો નહીં થાય. પણ ગોપાલને લકવો થાય એવી વાત કરવામાં આવશે કારણ કે ગોપાલ બોલે છે અને લડે છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા Gopal Italiaએ જણાવ્યું હતું કે, લડવાવાળા લોકોને લકવો થશે તો શું ચાપલુસી કરનાર લોકોને મેડલ મળશે? હું વિધાનસભા સત્રમાં ઘાસના પૂળા લઈને પહોંચ્યો હતો અને માંગ કરી કે ખેડૂતો, પશુપાલકો, માલધારીઓને દુષ્કાળ પેકેજ અંતર્ગત રાહત આપો. ભવાનભાઈ ભરવાડે વાણીયાના છોકરાની હાજરીમાં એના મોઢા પર કહેવાનું હતું કે “વરસાદ ન પડવાના કારણે અમારા માલધારીઓએ હિજરત કરવી પડે છે, એવો માહોલ છે ગુજરાતમાં, તું આ બધી ફાંકા ફોજદારી રહેવા દે અને પશુઓ માટે ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કર..” હું ભણી ગણીને, ઉતાર ચડાવ જોઈને રાજનીતિમાં આવ્યો, સમાજ અને ખેડૂતોના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો. તો ભરવાડ સમાજના પણ બે-ચાર યુવાનો ધારાસભ્ય બને, બોર્ડ નિગમના ચેરમેન બને એવો પ્રયત્ન કરવો જોઈએ. તમારે ત્યાં કહેવાનું હતું કે “ક્યાં સુધી અમારો સમાજ જેસીબીના દાંડિયા હલાવશે? અમારે પેન ચલાવવી છે, અમારે કમિશનર બનવું છે, મંત્રી બનવું છે, અધિકારી બનવું છે” પરંતુ ભરવાડના છોકરાએ આવું ન કીધું. વાણીયાનો છોકરો મંત્રી બન્યો તો ભરવાડનો છોકરો પણ મંત્રી બને એવી માંગણી – એવી લાગણી કેમ સ્ટેજ પરથી રજૂ કરવામાં ન આવી? આવી કોઈ માંગણી કરી હોત તો પાંચ પચ્ચીસ ભણેલા ગણેલા સંઘર્ષ કરતા યુવાનોને કંઈ તક મળી હોત. તો આપણે તમામ લોકો ભેગા મળીને સમાજમાં ભણેલા ગણેલા સક્ષમ યુવાનોને રાજનીતિમાં અને વહીવટી તંત્રમાં કઈ રીતે આગળ વધવા મળે ચાલો એવી કઈ ચર્ચા કરીએ અને સાથે મળીને પ્રયત્ન કરીએ. તમે મને આમંત્રણ આપો હું તમારા ઘરે આવું, હું તમારા અનુભવનું માર્ગદર્શન લઉં, યુવાન તરીકે મારા અનુભવ તમારી સાથે શેર કરું અને સાથે મળીને નવી પેઢીના યુવાનોને રાજનીતિમાં અને વહીવટી તંત્રમાં આગળ વધવા માટેનો રસ્તો કઈ રીતે મળે એનું કોઈ આયોજન કરીએ.