Gujarat Railway News: ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ખાસ કરીને સુરત, વડોદરા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલ્વેની ટ્રેન સેવાઓ પર મોટી અસર જોવા મળી છે. સચિન-ભેસ્તાન અને નવસારી-મરોલ રેલવે વિભાગમાં પાટા પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ, આંશિક રદ તેમજ રીશેડ્યૂલ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા મુજબ, સતત વરસાદના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ ટ્રેનોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ, ડબલ ડેકર એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ સહિત અનેક મેલ અને સુપરફાસ્ટ ટ્રેનો 8 જુલાઈના રોજ રદ કરવામાં આવી છે.

તે ઉપરાંત કેટલીક ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થળ પહેલાં જ ટૂંકા અંતરે સમાપ્ત કરવામાં આવી છે, જ્યારે શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત સુપરફાસ્ટ, ગોલ્ડન ટેમ્પલ મેઇલ સહિત અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરીને રીશેડ્યૂલ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસી લે, જેથી અનાવશ્યક મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 9 અને 10 જુલાઈની કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી રેલ સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુસાફરોને સત્તાવાર રેલ્વે અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

9 જુલાઈ, 2026 (ગુરુવાર)ના રોજ રદ કરાયેલી ટ્રેનો

19426 નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસ

19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ

10 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ રદ કરાયેલી ટ્રેનો

19417 બોરીવલી-વટવા એક્સપ્રેસ

22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ