જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા તાલુકા દીઠ લાયઝન અધિકારીશ્રીઓને જવાબદારી સોંપાઈ
Gujrat Weather: ગુજરાતના લગભગ જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે, જેનાં કારણે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને ખેડૂતોના પાકને સૌથી વધારે અસર જોવા મળી છે. વાવાઝોડાના કારણે ઘણા પાકો નિષ્ફળ ગયા છે. કેરી, જીરું સહિત વાવેતરમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉપરાંત ઘણા પ્રદેશોમાં માલહાની પણ થઈ છે. પવનની સાથે ડમરી ઉડતા મકાન અને ફેકટરીમાં છાપરા પણ ઉડી ગયા હતા. આ બધી પરિસ્થિતિને પહોચી વળવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સુચારુ સંચાલન થઈ શકે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
જે અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારીશ્રી, ટંકારા તાલુકા વિસ્તાર માટે મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વાંકાનેર તાલુકા વિસ્તાર માટે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી, હળવદ તાલુકા વિસ્તાર માટે હળવદ પ્રાંત અધિકારીશ્રી તેમજ માળીયા(મીં) તાલુકા વિસ્તાર માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં આવી છે.