Gujarat Weather Update: ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યાથી આગામી ૩ કલાક માટે નોકાસ્ટ બુલેટિન જારી કર્યું છે. આ આગાહી મુજબ, આગામી એક કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજ ફરી એકવાર સક્રિય થશે અને વાવાઝોડાની શક્યતા છે.
૨૧ જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ (૫ થી ૧૫ મીમી પ્રતિ કલાક) થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, ૪૧ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, સાથે ગાજવીજ અને વીજળી પણ પડશે. વીજળી પડવાની સંભાવના ૩૦% થી ૬૦% હોવાનું જાણવા મળ્યું છે.
ક્યાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે?
બીજી તરફ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હળવો વરસાદ (પ્રતિ કલાક એક મિલીમીટરથી ઓછો) અને ૪૦ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાતા હળવા ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા ૩૦% થી ઓછી છે. હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સલામતીના પગલાં લેવા વિનંતી છે.




