Gujarat News: અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 27 મેના રોજ બનેલી અપહરણની સનસનાટીભરી ઘટનાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. દિવસના અજવાળામાં આઈસ્ક્રીમ ઉદ્યોગપતિના ઘરમાં ઘૂસીને 24 વર્ષની પુત્રવધૂનું અપહરણ કરનાર મુખ્ય આરોપી અને તેના સાથીદારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહિલાને સુરક્ષિત રીતે શોધી કાઢીને પરિવારને સોંપી દીધી છે.
POCSO કેસમાં સજા ભોગવી ચૂકેલો આરોપી ફરી ઝડપાયો
તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે મુખ્ય આરોપી ઘેવરચંદ ઉર્ફે અભિષેક ધાનચીરામ ગુર્જર એ જ વ્યક્તિ છે જેને અગાઉ પીડિતાના અપહરણ અને બળાત્કારના કેસમાં POCSO એક્ટ હેઠળ 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પેરોલ પર બહાર આવ્યા બાદ તે જેલમાં પરત ફર્યો ન હતો અને ફરાર હતો.
ગુપ્ત બાતમીના આધારે સુરત પોલીસે ઘેરાબંધી કરી
સુરત પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે અપહરણ કેસના આરોપીઓ સફેદ થાર અને ક્રેટા કારમાં મહિલાને બંધક બનાવીને ફરી રહ્યા છે. માહિતીના આધારે ઉત્તરાણ પોલીસે મોટા વરાછા વિસ્તારમાં ડી-માર્ટ નજીક ઘેરાબંધી કરી બંને વાહનો રોક્યા અને મહિલાને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી લીધા.
સાસુની સામે જ અપહરણની ઘટનાને અંજામ
27 મેના રોજ આરોપીઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ રોડ વિસ્તારમાં આવેલા વેપારીના ઘરમાં ઘૂસ્યા હતા. આરોપીઓએ મહિલાની સાસુને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપી અને તેમની સામે જ મહિલાને કારમાં બેસાડીને અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.
જૂના પ્રેમ સંબંધને લઈને રચાયું કાવતરું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પીડિતા સગીર હતી ત્યારે આરોપી સાથે તેના પ્રેમ સંબંધ હતા. બાદમાં યુવતીના પરિવાર દ્વારા આરોપી સામે POCSO કેસ નોંધાયો હતો અને તેને 20 વર્ષની સજા થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા પછી આરોપીને ખબર પડી કે યુવતીના લગ્ન થઈ ગયા છે અને તે અમદાવાદમાં રહે છે, જેના કારણે તેણે ફરી તેને પોતાની સાથે લઈ જવાનું કાવતરું રચ્યું હતું.
અનેક રાજ્યોમાં ફેરવાઈ હતી મહિલા
અપહરણ બાદ આરોપીઓ મહિલાને ગુજરાતમાંથી મહારાષ્ટ્રના નાસિક સહિત વિવિધ વિસ્તારોમાં લઈ ગયા હતા. પોલીસે સમયસર કાર્યવાહી કરીને મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી.
23થી વધુ લક્ઝરી કાર ચોરીના ગુનાઓનો પણ ખુલાસો
પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. આરોપી અને તેની ગેંગ રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 23થી વધુ લક્ઝરી કારોની ચોરીમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. ગેંગ દ્વારા થાર, ક્રેટા, સ્કોર્પિયો, હેરિયર, સફારી, નેક્સન અને i20 જેવી મોંઘી કારોને નિશાન બનાવવામાં આવતી હતી.
વધુ તપાસ માટે આરોપીઓને અમદાવાદ પોલીસને સોંપાયા
સુરત પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને વધુ કાનૂની કાર્યવાહી માટે અમદાવાદની સાબરમતી પોલીસને સોંપી દીધા છે. જ્યારે પીડિતાને સુરક્ષિત રીતે તેના પરિવારને પરત સોંપવામાં આવી છે.




