Gujarat: તા.26 જાન્યુઆરી, 2025ના રોજ “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ આધારિત ગુજરાત દ્વારા 76-મા ગણતંત્ર દિને નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવેલા ટેબ્લો,આનર્તપુર થી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ એ અત્રે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા.
76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરેડમાં ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવી રહેલી ટેબ્લો ખાસ છે. ગુજરાતની ઝાંખી 12મી સદીના વડનગરના સાંસ્કૃતિક વારસાને 21મી સદીની અજાયબી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ તેમજ સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રે રાજ્યની ‘સ્વ-નિર્ભરતા’ દર્શાવે છે. આ ટેબ્લોમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા અદભૂત વિકાસની પ્રતિકૃતિઓ છે. જેમાં સંરક્ષણ, ટેક્નોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત ગુજરાતના વિવિધ પ્રોજેક્ટો દર્શાવવામાં આવ્યા છે.
ટેબ્લોની વિશેષતાઓ
ઝાંખીના આગળના ભાગમાં, 12મી સદીના સોલંકી કાળનું ‘કીર્તિ તોરણ’, આનર્તપુરમાં સ્થિત છે, એટલે કે હાલના વડનગર શહેર, જે યુનેસ્કો હેરિટેજ સાઈટમાં સામેલ છે, દર્શાવવામાં આવ્યું છે. તેની આસપાસ, આદિવાસી દેવતા ‘બાબા પિથોરા’ની સ્મૃતિને સમર્પિત ‘પિથોરા પેઇન્ટિંગ્સ’ની શ્રેણી સાથે માટી અને કાચમાંથી બનેલી કચ્છી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
ઝાંખીની પૃષ્ઠભૂમિમાં, ભારતીય વાયુસેનાના C-295 એરક્રાફ્ટનું એક યુનિટ, તેની નીચે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના બે કાંઠા અને ગુજરાતના ઓટો અને મશીન ઉદ્યોગને જોડતો ‘અટલ બ્રિજ’ દર્શાવવામાં આવ્યો છે. ટેબ્લોના છેલ્લા ભાગમાં સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દર્શાવવામાં આવી છે.
તેમજ જગત મંદિર દ્વારકા અને શિવરાજપુર બીચની પવિત્ર ભૂમિમાં આકાર લઇ રહેલી ‘અંડરવોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતની આ ઝાંખીને વધુ આકર્ષક બનાવવા માટે, રાજ્યના વાઈબ્રન્ટ મણિયારા રાસને પરંપરાગત પરંતુ અર્વાચીન યુગલો સાથે વાઈબ્રન્ટ નૃત્યો રજૂ કરવામાં આવ્યા છે.