હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, રાજસ્થાનમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ આજે વહેલી સવારથી વલસાડ શહેરમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ ભારે વરસાદ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.તેમજ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force)ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.

વલસાડના તિથલ રોડ ચાર રસ્તા વિસ્તારમાં હળવો વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ શરૂ પડ્યો. ભારે પવનની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ-પુંડિચેરી, કરાઈકલ, ઉત્તર આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન અહીં 115.5-204.4 મીમી વરસાદ નોંધી શકાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.