Gujarat News: રાજ્યકક્ષાએ ધો. 10 અને ધો. 12માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉત્તર બુનિયાદી પ્રવાહ એમ ચાર પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહક ઈનામમાં રૂ. 20 હજારનો વધારો કરવામાં આવ્યો છે.

“છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ” યોજના

આ યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા રૂ.31 હજાર આપવામાં આવતા હતાં જેમાં વધારો કરીને હવે રૂ. 51હજાર પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેવી જ રીતે દ્વિતીય સ્થાને આવશે તેમને રૂ. 21 હજારમાં વધારો કરીને રૂ. ૪૧ હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. 11 હજાર અપાતા હતા જેમાં વધારો કરીને રૂ. 31હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે.

આ ઉપરાંત ધો. 10 અને 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા રૂ. 6 હજાર અપાતા હતાં જેમાં વધારો કરીને રૂ.15 હજાર પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેજ રીતે દ્વિતીય સ્થાને આવશે તેમને રૂ. ૫ હજારમાં વધારો કરીને રૂ. 11 હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. 4 હજાર આપવામાં આવતા હતા જેમાં વધારો કરીને રૂ. 9 હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને નિયત કરેલ મળવાપાત્ર ઈનામની રકમ DBT પધ્ધતિથી અપાશે

આ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષના અંતે લેવાતી બોર્ડની પરીક્ષા (માર્ચ-એપ્રિલ)ના વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. શૈક્ષણિક વર્ષના વચ્ચે (ઓકટોબર-નવેમ્બર) માં લેવાતી પરીક્ષા ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.

આ ઉપરાંત એક જ ક્રમ પર એક સરખા ગુણાંક વાળા એકથી વધુ વિદ્યાર્થીઓ આવેલ હોય તેવા સંજોગોમાં એસ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવતા હોય અને એચ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં દરેક પ્રવાહમાં ત્રણ ક્રમાંક પર આવતાં હોય તેવા એક સરખા ગુણાંકવાળા વિકસતી જાતિના તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે.

રાજ્યકક્ષાએ એક થી ત્રણ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાનું ઇનામ મળશે પરંતુ તેઓને જિલ્લાકક્ષાનું ઇનામ મળવાપાત્ર થશે નહીં.

વિદ્યાર્થી એક જ ઇનામ લઇ શકશે. વિદ્યાર્થીઓને નિયત કરેલ મળવાપાત્ર ઈનામની રકમ DBT પધ્ધતિથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.