Harsh Sanghvi Appreciate Gujarat Police:ગુજરાતમાં સતત મુશળધાર વરસાદ અને પૂર બાદ અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સૌથી વધુ અસર વલસાડ, વાપી, ઉમરગાંવ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે, જ્યાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને પુનર્વસન કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghviએ પૂર દરમિયાન લોકોના જીવ બચાવવા માટે જોખમ વચ્ચે ફરજ બજાવનારા ગુજરાત પોલીસના જવાનોની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર વલસાડનો એક વીડિયો શેર કરીને પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેમની ટીમની બહાદુરીને સલામ કરી હતી. તેમણે લખ્યું કે, પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને, ખાસ કરીને બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા અને સમુદાયોની રક્ષા કરી. તેમણે PI ગોહિલનો ખાસ આભાર વ્યક્ત કર્યો.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં રાજ્યભરના સંવેદનશીલ વિસ્તારોમાંથી 42,158થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હાલ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને પુનર્વસન કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે વરસાદની સ્થિતિ અને રાહત કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરવ મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અધિકારીઓએ મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને શક્ય તેટલી વહેલી તકે ઘરવખરી સંબંધિત સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રાથમિક અંદાજ મુજબ, તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે સમગ્ર ગુજરાતમાં 308 પશુઓના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.




