Gujarat: અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના કારણે શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દીધી છે. એવામાં આગામી બે દિવસોમાં લેવામાં આવનાર પરીક્ષાઓને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) શિક્ષક પાત્રતા પરીક્ષા (ઉચ્ચતર માધ્યમિક)-2026 (TAT-HS) અને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. SEB અને GPSC એ નવી પરીક્ષા તારીખો જાહેર કરી છે.

TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી રાખવામાં આવી

SEB અનુસાર, રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને, 2 ઓગસ્ટના રોજ યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (ઉચ્ચતર માધ્યમિક)-2026 (TAT-HS) ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા હવે શનિવાર, 8 ઓગસ્ટ, 2026 ના રોજ યોજાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ના સચિવે સ્પષ્ટતા કરી છે કે ઉમેદવારોને નવી હોલ ટિકિટ ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. તેથી, પહેલાથી ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ માન્ય રહેશે. વધુમાં, હોલ ટિકિટ પર દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર અને સમય એ જ રહેશે.

ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પરથી પરીક્ષા સંબંધિત વધુ માહિતી અને અપડેટ્સ મેળવી શકે છે.

GPSC પ્રિલિમિનરી પરીક્ષા મુલતવી રાખવામાં આવી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, 1 ઓગસ્ટ, શનિવારના રોજ યોજાનારી GPSC પ્રિલિમિનરી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા હવે રવિવાર, 9 ઓગસ્ટના રોજ સવારે 11:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી લેવામાં આવશે.