Gujarat News: ગુજરાત સરકારે પાવર ટ્રાન્સમિશન લાઇન અને વીજ ટાવર માટે જમીન આપતા ખેડૂતો માટે નવી વળતર નીતિ જાહેર કરી છે. નવી નીતિ મુજબ હવે ખેડૂતોને જમીનના વર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર આપવામાં આવશે. અગાઉ વળતરની ગણતરી જંત્રી દરના 200 ટકા આધારે થતી હતી, જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સરકારનું કહેવું છે કે આ નિર્ણય ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
નવી નીતિનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે હવે ટ્રાન્સમિશન લાઇન અથવા ટાવરનું કામ શરૂ થાય તે પહેલાં જ ખેડૂતોને 100 ટકા વળતર ચૂકવવામાં આવશે. અગાઉ વળતર ત્રણ હપ્તામાં ચૂકવાતું હતું, જેમાં 40-40 ટકા અને અંતે 20 ટકા રકમ આપવામાં આવતી હતી. નવી વ્યવસ્થાથી ખેડૂતોને સમયસર અને સંપૂર્ણ વળતર મળવાની ખાતરી મળશે.
સરકારે ટાવર માટે ગણાતી જમીનના વિસ્તારમાં પણ વધારો કર્યો છે. અગાઉ ફક્ત ટાવરના આધાર વિસ્તારને જ વળતર માટે ગણવામાં આવતો હતો, જ્યારે હવે ટાવરની આસપાસની એક મીટર વધારાની જમીનને પણ વળતરમાં સામેલ કરવામાં આવશે. આ ફેરફારથી જમીનમાલિકોને વધુ વિસ્તાર માટે વળતર મળતાં તેમની આવકમાં વધારો થશે.
વર્તમાન બજાર ભાવ નક્કી કરવા માટે રાજ્ય સરકાર માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના કરશે. આ સમિતિમાં જિલ્લા કલેક્ટર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ, અધિકૃત મૂલ્યાંકનકારો અને ટ્રાન્સમિશન સેવા પ્રદાતાના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત, નવી નીતિનો લાભ એવા ખેડૂતોને પણ મળશે જેમના વળતર અગાઉના નિયમો હેઠળ નક્કી થયા હતા પરંતુ સંબંધિત પ્રોજેક્ટ હજુ પૂર્ણ થયા નથી.




