Gujarat News: ગુજરાતમાં મહિલાઓની ગોપનીયતા અને સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી એક ગંભીર સાયબર ક્રાઇમ ઘટનાનો પર્દાફાશ થયો છે. રાજકોટની એક હોસ્પિટલના લેબર રૂમના CCTV ફૂટેજ હેક કરીને તેને સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ ગ્રુપ્સમાં વેચવાના કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે.

17 ફેબ્રુઆરી 2025ના રોજ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે હોસ્પિટલના લેબર રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં ગર્ભવતી મહિલા સારવાર દરમિયાન જોવા મળતી હતી. વીડિયો સાથે “સંપૂર્ણ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો” જેવી લિંક પણ શેર કરવામાં આવી હતી, જે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલી હતી.

હોસ્પિટલથી ટેલિગ્રામ સુધીનો ગેરકાયદે ધંધો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ મહિલાઓના તબીબી પરીક્ષણ, ડિલિવરી અને અન્ય સંવેદનશીલ ક્ષણોના CCTV ફૂટેજ હેક કરીને ટેલિગ્રામ ગ્રુપ્સમાં વેચતા હતા. ફૂટેજ મેળવવા માટે ગ્રાહકો પાસેથી ₹800થી ₹2,000 સુધી વસૂલવામાં આવતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે ઝડપી કાર્યવાહી કરીને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાતમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ત્રણ યુટ્યુબ ચેનલો પણ મળી આવી હતી, જ્યાં વીડિયોનું ટીઝર અપલોડ કરીને લોકોને ટેલિગ્રામ ગ્રુપ તરફ દોરી જવામાં આવતા હતા.

માત્ર હોસ્પિટલો નહીં, મોલ અને શાળાઓ પણ નિશાન પર

તપાસમાં ખુલાસો થયો કે આ ગેંગ માત્ર હોસ્પિટલો જ નહીં પરંતુ મોલ, શાળાઓ અને અન્ય સંસ્થાઓની CCTV સિસ્ટમ પણ હેક કરતી હતી. મહિલાઓના વીડિયો કાપીને યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ વર્ચ્યુઅલ નંબર અને વિદેશી હેકર્સની મદદથી CCTV નેટવર્કમાં ઘૂસણખોરી કરતા હતા. રોમાનિયા અને અમેરિકા સ્થિત કેટલાક હેકર્સ સાથે તેમના સંપર્ક હોવાની પણ વિગતો સામે આવી છે.

ટેલિગ્રામ પર ચાલતું હતું ગેરકાયદે નેટવર્ક

તપાસ દરમિયાન “મેઘા ડેમો” સહિત અનેક ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા, જ્યાં “Voyeurism” અને “Exhibitionism” જેવી કેટેગરી હેઠળ વીડિયો વેચાતા હતા. UPI, QR કોડ અને ગિફ્ટ વાઉચર્સ મારફતે ચુકવણી સ્વીકારવામાં આવતી હતી.

સાયબર આતંકવાદની કલમો ઉમેરાઈ

પ્રારંભિક તબક્કે આરોપીઓ સામે IT Actની કલમ 66E અને 67 હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે કેસની ગંભીરતા જોતા પોલીસે બાદમાં IT Actની કલમ 43(b), 66, 66F(2) (સાયબર આતંકવાદ) તેમજ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો ઉમેરવામાં આવી હતી. સાયબર આતંકવાદની કલમ હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

મહિલાઓની ગોપનીયતા પર ગંભીર હુમલો

પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ માત્ર વીડિયો લીક કરવાનો નથી, પરંતુ મહિલાઓના સૌથી ખાનગી અને સંવેદનશીલ સમય દરમિયાન તેમની ગોપનીયતા અને ગૌરવ પર સીધો હુમલો છે. આ ઘટનાએ હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓમાં CCTV સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ પણ ઉજાગર કરી છે.