Gujarat News: ગુજરાત-રાજસ્થાન સરહદ પર અંબાજી નજીક શીતલા માતા ખીણમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. માર્બલ બ્લોક્સથી ભરેલા બે ટ્રેલર અને એક શિફ્ટ કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં કાર બંને ભારે વાહનોની વચ્ચે કચડાઈ ગઈ હતી. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને બંને તરફ આશરે 2થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્મતાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અંબાજી પોલીસ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાર સહિત ત્રણેય વાહનોના ચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તેમને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે અકસ્માતની ગંભીરતા હોવા છતાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના અહેવાલ સામે આવ્યા નથી.

અકસ્મતમાં શિફ્ટ કાર બે માર્બલ ભરેલા ટ્રેલર વચ્ચે ફસાઈ જતાં કારને ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ શીતલા માતા ખીણનો માર્ગ સાંકડો, ઢાળવાળો અને અનેક તીક્ષ્ણ વળાંકો ધરાવે છે. જેના કારણે ખાસ કરીને માર્બલ બ્લોક્સ જેવા ભારે સામાનથી ભરેલા લાંબા ટ્રેલરોને પસાર થવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે.

અકસ્મત બાદ રાહત અને બચાવ ટીમોએ પહેલા વાહનોમાંથી ડ્રાઇવરોને બહાર કાઢ્યા અને ત્યારબાદ અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાથી ટ્રાફિકને સામાન્ય સ્થિતિમાં લાવવામાં સમય લાગ્યો હતો. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને વાહનવ્યવહાર નિયંત્રિત કર્યો હતો.

હાલ અંબાજી પોલીસે અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે સાંકડો અને વળાંકવાળો રસ્તો અકસ્માતનું કારણભૂત પરિબળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત-રાજસ્થાન વચ્ચેનો આ મહત્વપૂર્ણ માર્ગ ભારે વાહનો માટે પડકારજનક હોવાથી સ્થાનિકોએ માર્ગ સલામતી વધારવા અને ભારે વાહનોની અવરજવર પર ખાસ ધ્યાન આપવા માંગ કરી છે.