Gujarat News: ગુજરાતે અંગદાન અને અંગ પ્રત્યારોપણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO)ના 2025ના તાજા આંકડા મુજબ, બ્રેઈન ડેડ અથવા મૃત દાતાઓ પાસેથી અંગ પ્રત્યારોપણ કરવામાં ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે રહ્યું છે. ગુજરાતથી આગળ માત્ર તમિલનાડુ (804), તેલંગાણા (601) અને કર્ણાટક (575) છે, જ્યારે મહારાષ્ટ્ર (422) પાંચમા ક્રમે છે. નોંધનીય છે કે દેશમાં પ્રથમ વખત એક જ વર્ષમાં 20,000થી વધુ અંગ પ્રત્યારોપણ નોંધાયા છે.
152 પરિવારોએ લીધો જીવનદાયી નિર્ણય, 456 અંગોનું દાન
2025 દરમિયાન Gujaratમાં 152 લોકોને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા, જેના પરિવારજનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં અંગદાન માટે સંમતિ આપી હતી. આ નિર્ણયના કારણે કુલ 456 અંગોનું દાન શક્ય બન્યું. તબીબી રીતે યોગ્ય હોય તો એક મૃત દાતા પાસેથી કિડની, લીવર, હૃદય, ફેફસાં, આંતરડા અને સ્વાદુપિંડ સહિત અનેક અંગોનું દાન કરીને ઘણા દર્દીઓને નવું જીવન આપી શકાય છે.
ગુજરાતમાં વર્ષ દરમિયાન 1,379 અંગ પ્રત્યારોપણ
NOTTOના આંકડા અનુસાર, 2025માં ગુજરાતમાં કુલ 1,379 અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. તેમાં 1,099 કિડની, 229 લીવર અને 36 હૃદય પ્રત્યારોપણનો સમાવેશ થાય છે. રાજ્ય કિડની પ્રત્યારોપણમાં દેશમાં પાંચમા, લીવર પ્રત્યારોપણમાં સાતમા અને હૃદય પ્રત્યારોપણમાં ત્રીજા સ્થાને રહ્યું છે.
રાજ્યમાં 36 ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર અને 103 અંગ પ્રાપ્તિ કેન્દ્રો
ગુજરાતમાં હાલમાં 36 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર (OTCs) અને 103 નોન-ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રિવલ સેન્ટર (NTORCs) કાર્યરત છે. આ માળખું અંગદાનથી લઈને પ્રત્યારોપણ સુધીની સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં મદદરૂપ બની રહ્યું છે. રાજ્યમાં OTCની સંખ્યા દેશના અગ્રણી રાજ્યોમાં છે, જ્યારે NTORCsની સંખ્યાના મામલે પણ ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
દેશમાં પ્રથમ વખત 20 હજારથી વધુ ટ્રાન્સપ્લાન્ટ
2025 દરમિયાન દેશમાં પ્રથમ વખત 20,000થી વધુ અંગ પ્રત્યારોપણ નોંધાયા, જે અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતિ અને આરોગ્ય સેવાઓના વિસ્તરણનું પ્રતિબિંબ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વધુ લોકો અંગદાન અંગે જાગૃત બને અને પરિવાર સાથે અગાઉથી ચર્ચા કરે, તો ભવિષ્યમાં હજારો દર્દીઓને સમયસર નવું જીવન મળી શકે. બ્રેઈન ડેડ દાતાના અંગો અનેક લોકો માટે જીવનદાન બની શકે છે, પરંતુ તેની સૌથી મહત્વપૂર્ણ કડી પરિવારની સંમતિ છે. ગુજરાતની આ સિદ્ધિ રાજ્યમાં વધતી જાગૃતિ અને માનવતાની ભાવનાનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.




