Praveen Ram AAP: આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ખેડૂતોની ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતનો ખેડૂત ઘણા સમયથી પોતાના વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યો છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને સરકાર તરફથી કંઈક સહાય આપવાના બદલે, કૃષિ મંત્રી જીતુભાઈ એવી વાતો કરી રહ્યા છે કે રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોની સાથે છે અને ખેડૂતોના હિતમાં સરકારને જે પણ નિર્ણય લેવા પડશે તે લેશે.

વધુમાં તેમણે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકાર આ નિર્ણયો ક્યારે લેશે? જ્યારે પાણી વહી જશે પછી પાળ બાંધવા જશો તો તેનો શો અર્થ? પાણી આવે તે પહેલાં જ પાળ બાંધવી પડે, પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો કોઈ અર્થ સરતો નથી. તમે મદદ કરશો તો ક્યારે કરશો? એટલા માટે સરકાર પાસે અમારી સ્પષ્ટ માંગણી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી પણ ઘણા સમયથી આ મુદ્દાને લઈને આગળ વધી રહ્યા છે. કૃષિ મંત્રી અને સરકાર માત્ર વાતો કે ચર્ચાઓ કરવાનું બંધ કરે, તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરે અને ગુજરાતના ખેડૂતોને દુષ્કાળ પેકેજમાં આવરી લઈને યોગ્ય રાહત પૂરી પાડે.