Gir Lions News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાદરખ ગામમાં મોડી રાત્રે સિંહોની હાજરીથી ગભરાટ ફેલાયો છે. રસ્તા પરથી બાઇક પર પસાર થઈ રહેલા બે યુવાનોનો અચાનક ત્રણ સિંહો સાથે સામનો થયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સિંહો ગામની શેરી અને આસપાસના વિસ્તારમાં નિર્ભયતાથી ફરતા જોવા મળી રહ્યા છે.
CCTVમાં જોવા મળે છે કે બે યુવાનો બાઇક પર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની સામે ત્રણ સિંહો આવી જતાં બંને યુવાનો ગભરાઈ ગયા હતા. સિંહો તેમની નજીક હોવાનું જણાતાં યુવાનોએ બાઇક વાળી ત્યાંથી ઝડપથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી.
શિકારની શોધમાં ગામમાં પહોંચ્યા હોવાની આશંકા
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સિંહો અગાઉ પણ ગામમાં આવીને શિકાર કરતા જોવા મળ્યા છે. સિંહોની સતત અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગામના રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં સિંહો રાત્રિના સમયે જાણે પેટ્રોલિંગ કરતા હોય તેમ ફરતા જોવા મળ્યા હતા. વન્યજીવો શિકારની શોધમાં માનવ વસાહત તરફ આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં અગાઉ પણ સિંહોની હિલચાલ નોંધાઈ છે. મોડી રાત્રે સિંહણ અને તેના બચ્ચાં સહિત સિંહો નવાપરા વિસ્તારમાં પણ રસ્તા અને આસપાસના વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
વન વિભાગે CCTV ફૂટેજની તપાસ કરી
ઘટનાની જાણ થતાં જશાધાર વન વિભાગની ટીમે CCTV ફૂટેજની માહિતી મેળવી છે. વન અધિકારી મહેશ સુંદરવાએ વીડિયો જોયા બાદ જણાવ્યું કે ફૂટેજ નાદરખ ગામનો હોવાનું જણાય છે, જોકે વીડિયો ખરેખર નાદરખનો જ છે કે નહીં તેની હજુ સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી.
વન વિભાગ દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવાની અને જરૂરિયાત મુજબ કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગામની આસપાસ સિંહોની સતત હાજરીને પગલે વન વિભાગની ટીમે સ્થાનિકોને સાવચેત રહેવાની જરૂરિયાત છે.




