ગુજરાતની લોકસભાની 25 બેઠકો પર પણ મતગણતરી થઇ રહી છે. આ દરમિયાન બનાસકાંઠા બેઠક ભારે ચર્ચામાં રહી છે. અહીં સવારથી જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ બરાબરીની ટક્કર જોવા મળી રહી હતી. ત્યારે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને હરાવી દીધા છે. આ બેઠક પર ગેનીબેનનું ખૂબ જ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર આજે લોકસભાની બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરે ભાજપના ડો. રેખાબેન ચૌધરીને 30 હજારથી વધુ મતોથી હરાવી દીધા છે. ગેનીબેન ઠાકોરે જીત બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, બનાસકાંઠાની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે તેમણે ક્ષત્રિય સમાજનો પણ આભાર માનીને કહ્યુ છે કે, તેમની અહંકાર સામેની લડાઇમાં ક્યાંકને ક્યાંક સફળતા મળી છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે આવનારા સમયમાં જનતાને જે વાયદા આપ્યા છે અને ગરીબ દીકરી તરીકે મેં મામેરું માંગ્યું અને સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને મામેરું ભર્યુ છે ત્યારે સમગ્ર બનાસકાંઠાના મતદારોનો આભાર માનું છુ.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બનાસકાંઠા બેઠક ખૂબ ચર્ચામાં જોવા મળી હતી. બે ટર્મથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એક મજબૂત નેતાની છબી ધરાવે છે. ગેનીબેન ઠાકોરને સામાન્ય માણસ સાથે રહેનારા અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકે માનવામાં આવે છે