Amit Chavda News: ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા અને અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતો તથા પશુપાલકોની સ્થિતિ ગંભીર બની હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર પર ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો.
Amit Chavdaએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આકાશમાં ઉડી રહ્યા છે, પરંતુ ગુજરાતના ખેડૂતોની જમીન પરની વ્યથા અને પીડા જોવા માટે ક્યારે ખેતરે ઉતરશે?”
કોંગ્રેસના જણાવ્યા મુજબ, ખેડૂતો એક તરફ મોંઘા ખાતર, બિયારણ અને જંતુનાશકો તેમજ ખેતીના વધતા ખર્ચથી પરેશાન છે, જ્યારે બીજી તરફ પાકને યોગ્ય બજારભાવ મળતો નથી. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ બાદ હવે અનેક વિસ્તારોમાં લાંબો કોરો સમય ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.
15 જિલ્લાઓમાં વરસાદની અછતનો દાવો
કોંગ્રેસે IMDના 2 સપ્ટેમ્બર 2026ના આંકડાને ટાંકીને જણાવ્યું કે રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં આશરે 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે અને 15 જિલ્લાઓ વરસાદની અછતની સ્થિતિમાં છે. કોંગ્રેસના દાવા મુજબ દેવભૂમિ દ્વારકામાં આશરે 88 ટકા, પોરબંદરમાં 73 ટકા તથા જામનગર અને કચ્છમાં આશરે 60 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
કોંગ્રેસે કહ્યું કે માત્ર વરસાદના આંકડાઓના આધારે નહીં, પરંતુ ગામડે-ગામડે જઈને પાકની વાસ્તવિક સ્થિતિનો સર્વે કરવો જરૂરી છે.
કોંગ્રેસની સરકાર સમક્ષ 8 મુખ્ય માગણીઓ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક રાહતની માગ સાથે સરકાર સમક્ષ આઠ મુદ્દા રજૂ કર્યા છે:
- પાત્ર તમામ જિલ્લા અને તાલુકાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા.
- સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવાની કાર્યવાહી કરવા.
- ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા.
- નિયમો મુજબ લાગુ પડતા તાલુકાઓમાં 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવા.
- દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં નિયમ મુજબ પાંજરાપોળ શરૂ કરવા.
- ખેડૂતોનું ચાલુ વર્ષનું ફિક્સ વીજબીલ સંપૂર્ણપણે માફ કરવા.
- ખેડૂતો અને ખેતમજૂરો માટે રોજગારીના રાહતકામો શરૂ કરવા.
- ગામડાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં નિયમિત શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા.
‘પહેલા ખેડૂતોના ખેતરે જાઓ’
અમિત ચાવડાએ સરકાર પર વધુ પ્રહાર કરતાં કહ્યું કે એક તરફ ગુજરાતનો ખેડૂત વરસાદ માટે આકાશ તરફ જોઈ રહ્યો છે, જ્યારે સરકારના નેતાઓ પ્રવાસ અને પ્રચારમાં વ્યસ્ત છે. તેમણે સરકારને ખેડૂતોના ખેતરે જઈ તેમની સ્થિતિ જોવા અને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું, “ખેડૂત બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો ગામડું બચશે અને ગામડું બચશે તો ગુજરાત બચશે.”
7 સપ્ટેમ્બરે કિસાન કોંગ્રેસના આંદોલનાત્મક કાર્યક્રમો
ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલે જણાવ્યું કે ઓછા વરસાદને કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં ધકેલાઈ રહ્યા છે. તેમણે સરકારને તાત્કાલિક રાહત પગલાં ભરવાની માગ કરી હતી. કિસાન કોંગ્રેસ દ્વારા ઓછા વરસાદવાળા જિલ્લાઓ અને તાલુકાઓમાં ખેડૂતોને ન્યાય અને રાહત મળે તે માટે 7 સપ્ટેમ્બર 2026ના રોજ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
કિસાન કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલિયાએ સૌની યોજના અંગે સરકારને ઘેરતા સવાલ કર્યો હતો કે ઓછા વરસાદની વિકટ સ્થિતિમાં યોજનાનો ખેડૂતોને વાસ્તવિક લાભ ક્યાં મળ્યો? તેમણે પાણી, સિંચાઈ અને રાહત અંગે સરકાર પાસે સ્પષ્ટતા માગી છે.




