Bhavnagar News: ભાવનગરમાં સ્થાનિક ગુના શાખા (LCB)એ નકલી વિદેશી દારૂ બનાવતી વધુ એક ગેરકાયદેસર યુનિટનો પર્દાફાશ કર્યો છે. શહેરની રેલવે કોલોનીમાં કર્મચારી ક્વાર્ટરમાં નકલી દારૂની બોટલો તૈયાર કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન રેલવે કર્મચારી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે દરોડા દરમિયાન નકલી દારૂથી ભરેલી રોયલ સ્ટેગની 17 સીલબંધ બોટલો, વિવિધ બ્રાન્ડના સ્ટીકરો, બોટલ કેપ્સ, સીલિંગ મશીન, પ્રેશર કેપિંગ મશીન, જેરીકેન સહિતની સામગ્રી જપ્ત કરી છે. આ ઉપરાંત પાંચ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.
રેલવે કર્મચારી મુખ્ય આરોપી
પોલીસ તપાસમાં અક્ષયરાજ ગોડીલ નામનો રેલવે કર્મચારી મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. તપાસ મુજબ, મોરબીના રામદેવસિંહ ઝાલા મારફતે નકલી દારૂ બનાવવાના નેટવર્ક સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ રાજસ્થાનથી જરૂરી સાધનો અને કાચો માલ પાર્સલ મારફતે ભાવનગર મોકલવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનનો સૂર્યપ્રતાપસિંહ રાઠોડ પણ નકલી દારૂ બનાવવા માટે ભાવનગર આવ્યો હતો. ધરપકડ કરાયેલા વિજય ઉર્ફે મયંક મકવાણા પર તૈયાર માલ વિવિધ લોકોને વેચાણ માટે પહોંચાડવાનો આરોપ છે. જ્યારે જિતેન્દ્ર ખાવડિયા યુનિટનું સંચાલન કરી દારૂ તૈયાર કરવા તેમજ સાધનો અને કાચા માલની દેખરેખ રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
17 બોટલ સહિત મશીનરી જપ્ત
LCBએ નકલી Seagram’s Royal Stag Barrel Select Premium Whiskyની 180 મિલીની 17 સીલબંધ બોટલો જપ્ત કરી છે. સાથે Imperial Blue Reserve Grain Whiskyના 231 સ્ટીકરો અને 151 સીલ સ્ટીકરો પણ મળી આવ્યા છે.
પોલીસે બે ખાલી 50 લિટરના જેરીકેન, બોટલ કેપ્સ, ‘AMIRI’ માર્કવાળું સીલિંગ મશીન અને પ્રેશર કેપિંગ મશીન સહિતની સામગ્રી કબજે કરી છે. જપ્ત કરાયેલી વસ્તુઓની કિંમત આશરે ₹1,940 હોવાનું જણાવાયું છે.
કુલ 10 આરોપીઓ સામે કાર્યવાહી
બોરતલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેસમાં કુલ 10 આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાંથી અક્ષયરાજ ગોડીલ, વિજય ઉર્ફે મયંક મકવાણા અને જિતેન્દ્ર ખાવડિયાની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે રામદેવસિંહ ઝાલા, શક્તિસિંહ રાયજાદા, અર્જુનસિંહ સોઢા, સૂર્યપ્રતાપસિંહ રાઠોડ, અજિતસિંહ ઉર્ફે બન્ના રાઠોડ, ભાવેશ સોલંકી અને શરદ ચાવડા સહિતના આરોપીઓ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
ભાવનગરમાં થોડા સમય પહેલાં જ ઝેરી દારૂની ઘટનામાં 14 લોકોના મોત થયા હતા. આ ઘટનાના થોડા સમય બાદ જ નકલી વિદેશી દારૂ બનાવતી યુનિટ ઝડપાતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ LCB આ સમગ્ર નેટવર્કને શોધવા અને નકલી દારૂની સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ કરી રહી છે.




