Mehsanaમાં 16 વર્ષની દીકરી સાથે હોટલમાં દુષ્કર્મની ઘટના ઘટી અને પાંચ દિવસ થઈ ગયા તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આ મુદ્દા પર (AAP)આમ આદમી પાર્ટીના મહેસાણા સંગઠન પ્રમુખ જયદેવસિંહ ચાવડા, સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોએ સાથે મળીને મહેસાણાના એસપીને આવેદનપત્ર આપ્યું. મહેસાણા સંગઠન પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મહેસાણાને શરમસાર કરનારો એક બનાવો બન્યો છે. એક સોળ વરસની દીકરીને કેટલાક હેવાનોએ પીંખી નાખી છે. આ ઘટનાના પાંચ દિવસ થયા તેમ છતાં પણ એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. દુષ્કર્મનો ભોગ બનનાર દીકરીએ વધુ ચાર પાંચ નામ આપ્યા, તેમ છતાં પણ તેઓના નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા નથી.
આ દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેમ છતાં પણ તેના અપૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાં પણ હોટલે તેને પરમિશન આપી. આ હોટલે ગંભીર ભૂલ કરી છે અને તેમની ભૂલના કારણે એ હોટલમાં 16 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું. હજુ સુધી હોટલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. માટે આજે આમ આદમી પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પાસ સમિતિ અને સર્વ સમાજ વતી આજે અમે મહેસાણાના એસપીને આવેદનપત્ર આપ્યું છે. અમે માંગ કરી છે કે જો 24 કલાકમાં તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય અને જે લોકોના નામ કહેવામાં આવ્યા પરંતુ ફરિયાદમાં લીધા નથી તેમના નામ પણ ફરિયાદમાં જોડવામાં આવશે નહીં તો અમે આવનારા સમયમાં મહેસાણા બંધનું પણ એલાન આપીશું અને આંદોલન કરીશું.