Gujarat News: ગુજરાતે વન્યજીવન અને જળચર પ્રાણીઓના સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વર્ષ 2025માં કરવામાં આવેલી અંતિમ વસ્તી ગણતરી મુજબ રાજ્યના 4,087 ચોરસ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં 680થી વધુ ડોલ્ફિન જોવા મળી છે. રાજ્ય સરકાર અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી ડોલ્ફિન સહિતના જળચર જીવસૃષ્ટિના સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મળી છે.
મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રોવ્સ અને અન્ય જળચર રહેઠાણોના સંરક્ષણ માટે વિશેષ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. તેના પરિણામે ગુજરાતમાં જળચર પર્યટનને પણ નવી દિશા મળી છે. ખાસ કરીને દ્વારકા નજીકના શિવરાજપુર અને પોશિત્રા દરિયાકિનારા ડોલ્ફિન નિહાળવા માટેના શ્રેષ્ઠ સ્થળો તરીકે ઉભરી આવ્યા છે.
આંકડાઓ મુજબ, કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન નોંધાઈ છે. જ્યારે કચ્છ સર્કલના ઉત્તર ભાગમાં 168, ભાવનગર વિસ્તારમાં 10 અને મોરબી વિસ્તારમાં 4 ડોલ્ફિન જોવા મળી હતી. કચ્છના અખાતમાં આવેલો ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક ડોલ્ફિન માટેનું મહત્વપૂર્ણ નિવાસસ્થાન માનવામાં આવે છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ડોલ્ફિન દરિયાઈ પર્યાવરણના સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દરિયાઈ ખાદ્ય શૃંખલાના ટોચના શિકારીઓમાં સામેલ ડોલ્ફિન ઇકોસિસ્ટમને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કચ્છથી ભાવનગર સુધીના માછીમારો પણ ડોલ્ફિનના સંરક્ષણમાં સક્રિય સહભાગી બની રહ્યા છે.
ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં મુખ્યત્વે બે પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે – ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન અને બોટલનોઝ ડોલ્ફિન. હમ્પબેક ડોલ્ફિન તેના વિશિષ્ટ હમ્પ અને લાંબી પૂંછડી માટે ઓળખાય છે, જ્યારે બોટલનોઝ ડોલ્ફિન તેના મૈત્રીપૂર્ણ સ્વભાવ અને રમૂજી કૂદકાઓ માટે પ્રવાસીઓમાં ખાસ આકર્ષણ ધરાવે છે.
વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ડોલ્ફિન લુપ્તપ્રાય પ્રજાતિ છે અને તેનો શિકાર કરવો અથવા તેને નુકસાન પહોંચાડવું કાયદેસર રીતે બિનજામીનપાત્ર ગુનો ગણાય છે. રાજ્યના સંરક્ષણ પ્રયાસોના કારણે આજે ગુજરાત ડોલ્ફિન પર્યટન માટે દેશ-વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે.




