Gujarat News: દિવાળીનો તહેવાર ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવા માટે વ્યસ્ત રહ્યો હતો. ફટાકડા ફોડવા, આગ લાગવા અને માર્ગ અકસ્માતો સહિતની ઘટનાઓને કારણે ઇમરજન્સી મેડિકલ સેવાઓ પર દબાણ વધ્યું હતું. 108 એમ્બ્યુલન્સ સેવાના આંકડા મુજબ, સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે ઇમરજન્સી કેસમાં 13.12 ટકાનો વધારો નોંધાયો હતો. રાજ્યભરમાં ફટાકડા અને આગને કારણે કુલ 62 લોકો દાઝી ગયા હતા, જેમાં અમદાવાદ 13 કેસ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું.

108 ઇમરજન્સી કેસ 5,246થી વધીને 5,934 થયા

108 એમ્બ્યુલન્સ સેવાના ડેટા અનુસાર, સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 5,246 ઇમરજન્સી કેસ નોંધાય છે. જ્યારે દિવાળીના દિવસે આ આંકડો વધીને 5,934 થયો હતો. એટલે કે એક જ દિવસમાં 688 કેસનો વધારો નોંધાયો હતો, જે 13.12 ટકા જેટલો છે.

ગુજરાત 108 ઇમરજન્સી સર્વિસના જનસંપર્ક અધિકારી વિકાસ બિહાનીએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે એમ્બ્યુલન્સ સેવા ટીમોને સતર્ક રાખવામાં આવી હતી. જરૂરિયાતમંદોને સમયસર તબીબી સહાય મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

વાહન અકસ્માતના કેસમાં 87.49 ટકાનો વધારો

દિવાળી દરમિયાન સૌથી વધુ વધારો માર્ગ અકસ્માત અને અન્ય ઇજાના કેસોમાં જોવા મળ્યો હતો. વાહન અકસ્માતને લગતા ઇમરજન્સી કેસ સામાન્ય દિવસોના 646થી વધીને 1,212 થયા હતા. આમાં 87.49 ટકાનો વધારો નોંધાયો હતો.

વાહન સિવાયના અકસ્માતોમાં ઇજાના કેસ પણ 595થી વધીને 1,043 થયા હતા, જે 75.17 ટકાનો વધારો દર્શાવે છે.

ડાયાબિટીસ અને પેટના દુખાવાના કેસ વધ્યા

અન્ય તબીબી ઇમરજન્સીના આંકડા પર નજર કરીએ તો અસ્પષ્ટ બીમારીઓના કેસમાં 8.39 ટકા અને ઝેરના કેસમાં 5.28 ટકાનો વધારો નોંધાયો હતો. ડાયાબિટીસ સંબંધિત ઇમરજન્સીમાં 26.19 ટકા અને પેટના દુખાવાના કેસમાં 21.50 ટકાનો વધારો થયો હતો.

જોકે, કેટલાક પ્રકારની ઇમરજન્સીમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ગર્ભાવસ્થા સંબંધિત કેસમાં 3.58 ટકા, શ્વાસની તકલીફમાં 14.56 ટકા અને હૃદય સંબંધિત કેસમાં 8.82 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તીવ્ર તાવના કેસમાં સૌથી વધુ 31.09 ટકાનો ઘટાડો થયો હતો.

ફટાકડાથી દાઝવાના 62 કેસ, અમદાવાદમાં સૌથી વધુ

દિવાળી દરમિયાન ફટાકડા અને આગને કારણે રાજ્યમાં કુલ 62 લોકો દાઝી ગયા હતા. શહેર અને જિલ્લાવાર આંકડા મુજબ:

  • અમદાવાદ: 13 કેસ
  • સુરત: 12 કેસ
  • કચ્છ અને રાજકોટ: 5-5 કેસ
  • ગાંધીનગર અને વડોદરા: 4-4 કેસ
  • આણંદ, ભાવનગર, જામનગર, નર્મદા, તાપી અને વલસાડ: 2-2 કેસ
  • અન્ય જિલ્લાઓ: 1-1 કેસ