Morbi: મોંઘવારી અને આકરા કરવેરાના માર વચ્ચે જામખંભાળિયા અને મોરબીમાં નગરજનોએ દીપોત્સવી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. બહેનોએ ઘર બહાર સજાવેલા દીવડા મૂકી, કળાત્મક રંગોળીઓ રચી હતી. વેપારીઓએ બજારોને રોશનીથી શણગારી હતી. રાત્રિના સમયે બાળકોએ મન મુકીને ફટાકડા ફોડયા હતાં. આતશબાજી થવાના કારણે આકાશ રંગીન બની ગયું હતું. વેપારીઓએ લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન કર્યા હતાં.
Morbi: બજારોને રોશનીથી શણગારી, બાળકોએ મન મૂકી ફટાકડા ફોડ્યા, આતશબાજીથી આકાશ રંગીન બન્યું મોરબી શહેર અને જીલ્લામાં દીપાવલી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં હષીલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી બાળકોથી લઈને યુવાનો અને મહિલાઓ સહિતના સૌ કોઈએ ફટાકડા ફોડીને દીપાવલી પર્વની ઉજવણી કરી હતી. બહેનોએ ઘરે ઘરે દીપ પ્રગટાવી, ઘરના આંગણે રંગોળી કરી ઉજવણી કરી હતી. દીપાવલી પર્વે પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાથે જ ફાયરની બે ટીમ સ્ટેન્ડ ટૂ મોડમાં જોવા મળી હતી જોકે મોરબી શહેરમાં આગ લાગવાની કોઈ ઘટના બની ના હતી આજે શનિવારે સૌ કોઈ નૂતન વર્ષની ઉજવણી કરશે.
Morbi: દીપોત્સવીની ગુરુવારે ખંભાળિયા વાસીઓએ ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ સાથે આવતીકાલે શનિવારે નવા વર્ષને વધાવવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
દિવાળીને અનુલક્ષીને શહેરમાં ઉમંગ ભયી માહોલ જોવા મળ્યો હતો. શહેરની બજારોને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના સપરમાં દહાડે વેપારીઓએ નિયત ચોઘડિયે ચોપડા પૂજન સહિતના કાર્યક્રમો કર્યા હતા. આ ઉપરાંત અહીંની શ્રી મહાપ્રભુજીને બેઠક, હવેલી તેમજ વિવિધ મંદિરોમાં ખાસ દર્શનના પણ આયોજનો કરાયા હતા. દિવાળીને અનુલક્ષીને લોકોએ ગતરાત્રે ફટાકડા તેમજ આતશબાજીની રમઝટ બોલાવી હતી. રાત્રિના આકાશી ફટાકડાઓની આતશબાજીથી આકાશ જગમગી ઉઠ્યું હતું. જેમાં ખાસ કરીને બાળકો તેમજ યુવાઓએ ઉત્સાહભેર મોજ માણી હતી.
શુક્રવારે પડતર દિવસ હોય, લોકોના ઉમંગમાં થોડી બ્રેક આવી હતી. પરંતુ આવતીકાલે શનિવારે હિન્દુઓના નવા વર્ષને વધાવવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દીપોત્સવીના દિવસોમાં હાલ મીની વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સદ ગૃહસ્થોએ પોતાના પરિવારનો સાથે ધાર્મિક તેમજ હરવા-ફરવાના સ્થળે નીકળી જઈને રજાની મજા માણી હતી. એકંદરે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ આધી, વ્યાધિ, ઉપાધિને ભૂલીને દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.