આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ Raju kapradaએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યસભામાં એક પ્રશ્ન પૂછાયો ત્યારબાદ તેના જવાબમાં Gujarat સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી ગઈ. Gujaratમાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. વારંવાર ખેડૂતો દ્વારા અને અલગ અલગ સંગઠનો અને આગેવાનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. ત્યારબાદ ખેડૂતો માટે સહાયની જાહેરાતો તો થઈ પરંતુ ખેડૂતોની મજાક ઉડાવવામાં આવતી હોય તેવી સહાય ચૂકવવામાં આવી.
જાણી જોઈને નુકસાનીના આંકડા બદલી નાખવામાં આવ્યા, જાણી જોઈને અમુક તાલુકાઓને વંચિત રાખવામાં આવ્યા અને જાણી જોઈને અમુક ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા. અને હાલ રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો કે શું રાજ્ય સરકાર દ્વારા વધારાના ફંડ માટે કેન્દ્ર સરકાર પાસેથી ફંડ માંગવામાં આવ્યું છે કે નહીં? એન ડી આર એફ પાસે ગ્રાન્ટ માગવામાં આવી છે કે નહિ? ત્યારે જવાબ આપવામાં આવ્યો કે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ કોઈપણ રજૂઆત કરવામાં આવી નથી કે વધારે પૈસાની માંગ પણ કરવામાં આવી નથી. ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે એક પણ વખત કેન્દ્ર સરકાર સમક્ષ આવેદનપત્ર પણ આપ્યું નથી. રાજ્ય સરકારની આવી નીતિના કારણે જ અમે કહીએ છીએ કે ગુજરાતની રાજ્ય સરકાર ખેડૂત વિરોધી નીતિ અપનાવી રહી છે અને આવી ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે.
ખેડૂતો સાથે થયેલા આવા અન્યાય મુદ્દે આવતી 9 તારીખે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારી સમક્ષ મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચશે. ખેડૂતોને નુકસાન થયું છે, ખેડૂતોને જે વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે અને જે લોકોએ આંકડાઓમાં ફેરબદલ કર્યા છે, આ તમામ મુદ્દાઓ પર વિરોધ કરવામાં આવશે અને તેમનો ભાંડો ફોડવામાં આવશે.