Dharmik Mathukia AAP: આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નિયમ મુજબ જેમના નામે જમીન છે તે ખાતેદારે પોતે જ કેન્દ્ર પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. પરંતુ ૮૦ વર્ષથી વધુ વયના, અશક્ત કે હલનચલન ન કરી શકતા ખેડૂતો, ગુજરાત બહાર કે વિદેશ રહેતા ખાતેદારો અને ભાગીયા પાસે ખેતી કરાવતા ખેડૂતો માટે કેન્દ્ર પર પ્રત્યક્ષ હાજર રહેવું અશક્ય બની ગયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી અને રજિસ્ટ્રેશનથી વંચિત રહી જાય છે.

’આપ’ નેતા Dharmik Mathukiaએ આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે પ્રક્રિયામાં સુધારો કરી નોમિની સિસ્ટમ દાખલ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો ખેડૂત પોતે ન આવી શકે, તો તેમના દ્વારા અધિકૃત કરાયેલ નોમિની વ્યક્તિ રજિસ્ટ્રેશન સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી શકે તેવી જોગવાઈ કરવી જોઈએ. આ ઉપરાંત, રજિસ્ટ્રેશન માટે આપવામાં આવેલી એક મહિનાની ટૂંકી સમયસીમા ખેડૂતો માટે પૂરતી ન હોવાથી તેને લંબાવવાની વિનંતી કરાઈ છે. ખાતેદારની પ્રત્યક્ષ હાજરીનો નિયમ હળવો કરીને અને સમય મર્યાદા વધારીને સરકાર તાત્કાલિક નિર્ણય લે, જેથી ખેડૂતોને રાહત મળે અને તેમના હિતનું રક્ષણ થાય.