CM Bhupendra Patel News: ગાંધીનગરમાં યોજાયેલા ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરના યુવાનોને સંબોધતા કહ્યું કે, યુવાનોએ પોતાના હક માટે લડવાની સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું પણ નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ દેશે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં ઐતિહાસિક પ્રગતિ હાંસલ કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાન મોદીએ આગવા વિઝન અને કાર્યશૈલી દ્વારા દેશની કાયાપલટ કરી છે. 24 કલાક વીજળી, પાણી, માર્ગ અને અન્ય પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી લોકોનો વિશ્વાસ વધ્યો છે. 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને વૈશ્વિક રોકાણના નકશા પર સ્થાન અપાવ્યું અને રાજ્યને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખ અપાવી છે.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી વિકાસની નવી રાજનીતિ સ્થાપિત કરી છે. ‘જે કહેવું તે કરવું’ની કાર્યનીતિને કારણે જનવિશ્વાસ મજબૂત બન્યો છે અને દરેક યોજના છેવાડાના માનવી તથા રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને અમલમાં મુકાઈ છે.
મુખ્યમંત્રીએ પીએમ આયુષ્માન ભારત યોજના, સેમિકન્ડક્ટર જેવી વર્લ્ડ ક્લાસ ઇન્ડસ્ટ્રીઝ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી, મિશન LiFE અને ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ પહેલોએ દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમણે કહ્યું કે ‘હર ઘર તિરંગા’ અને ‘મારી માટી, મારો દેશ’ જેવા અભિયાનો દ્વારા દેશવાસીઓમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના વધુ મજબૂત બની છે. ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન ‘માય ભારત’ના સ્ટેટ ડાયરેક્ટર સચિન શર્માએ જણાવ્યું કે યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને નેતૃત્વ સાથે જોડવાના હેતુથી શરૂ કરાયેલા આ અભિયાન સાથે અત્યાર સુધીમાં દેશભરમાં 2.25 કરોડથી વધુ યુવાનો જોડાયા છે.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2026’માં ભાગ લેનાર ગુજરાતના યુવાનોને પણ પોતાના અનુભવો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાની તક મળી હતી. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગ જોષી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




