CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂંક મેળવી રહેલા યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા સાદગી પૂર્ણ છતાં ગૌરવશાળી સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને કરેલી અપિલનો પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી આ નિમણૂંક પત્ર વિતરણ અન્વયે ગાંધીનગરમાં પ્રતિક રૂપે 21 યુવાઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્રતયા રાજ્યભરના 415 યુવાઓ ખેતી મદદનીશ તરીકે પસંદગી પામ્યા છે તેમને ઈ-મેઈલ દ્વારા નિમણૂંક પત્રો પહોંચાડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં નવા જોડાઈ રહેલા આ યુવા વર્કફોર્સને પ્રેરણા આપતા કહ્યું કે, વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આત્મનિર્ભરતા માટે ખાતરનો ઓછો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળીને અનેક લોકોને સ્વાસ્થ પ્રદ જીવનનો મોટો લાભ આપવાની ઈશ્વરીય તક તમને મળી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાતરની અછતના પરિપ્રેક્ષમાં આયાત ઘટાડવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા અને કાયમી રીતે આત્મનિર્ભર થવાની જે અપિલ કરી છે તેને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનું દાયિત્વ નવનિયુક્ત યુવાઓના શિરે છે.

તેમણે યુવા ઉમેદવારોને આ સંવેદનાસ્પર્શી અવસરને તક તરીકે ઝડપી લેવાનું આહવાન કરતાં કહ્યું કે, તેમની લાંબી કારકિર્દીની શરૂઆતમાં જ જે સેવાતક મળી છે તેને કાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહીને ખેડૂતોને મદદરૂપ થવાની નૈતિક જવાબદારીરૂપે યુવા ઉમેદવારો સુપેરે અદા કરે.