ગુજરાતમાં કાળઝાળ ગરમી અને વરસાદની બેવડી સિઝનના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે હાલમાં તંત્રએ આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કર્યુ છે, આણંદમાં ઠેર ઠેર કોલેરા અને ઝાડા-ઉલ્ટી અને વાયરલ ફિવરના દર્દીઓમાં જોવા મળી રહ્યાં છે.
ગરમી અને વરસાદની બેવડી ઋતુની વચ્ચે હવે ગુજરાતમાં અનેક શહેરોમાં રોગચાળાએ માઝા મુકી છે. ટાઇફોઇડ, વાયરલ ફિવર, ઝાડા ઉલ્ટી અને કૉલેરા જેવા રોગાનો દર્દીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલમાં આણંદ શહેરને કૉલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યુ છે. આ પહેલા સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા. આણંદ શહેરમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક દર્દીઓના કોલેરા રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે, જેના પછી તંત્ર એક્શનમાં આવ્યુ છે અને ઠેર ઠેર પાણીના નમૂના લેવામાં આવી રહ્યાં છે અને પાણીની લાઇનો ચેક કરવામાં આવી રહી છે. શહેરમાં ખાસ કરીને ઇસ્માઇલનગર, પધરીયા, મેલડીમાતા મંદિર, મંગળપુર સહિતના અનેક વિસ્તારોમાં તંત્રએ એક્શન લેવું શરૂ કર્યુ છે, અહીં ખાણીપીણીની લારીઓ પર તવાઇ બોલાવવામાં આવી છે. કેમ કે આ વિસ્તારોમાંથી ઝાડા-ઉલ્ટીના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.