Niranjan Vasava AAP : આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા, સામાજિક કાર્યકર્તા અનિરુદ્ધસિંહ વસાવા, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં સુરજીપુરા, અગર, લીંબડીયા ગામમાં અતિભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી, તેમજ મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને મળી તેમની સ્થિતિની માહિતી મેળવી, નુકસાનનું નિરીક્ષણ કર્યું અને તેમની સમસ્યાઓ સાંભળી. આ સાથે જ નિરંજન વસાવાએ માંગ કરી હતી કે, આમ આદમી પાર્ટી સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ માંગ કરે છે કે અસરગ્રસ્ત તમામ પરિવારોને તાત્કાલિક રાહત, યોગ્ય વળતર અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા Niranjan Vasavaએ એક શાળાની મુલાકાત લીધી હતી અને પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ અમે જ્યાં ઊભા છીએ એ તિલકવાડા તાલુકાનું સુરજીપુરા ગામ છે અને અહીંયા અતિશય વરસાદ થવાના કારણે ૧૫ જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને ઘરવખરીમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. સાથે સાથે સુરજીપુરાની પ્રાથમિક શાળા પણ પાણીની અંદર ડૂબી ગઈ હતી. દર વર્ષે આ સમસ્યા રહે છે. શાળામાં ૧ થી ૫ ધોરણના બાળકો ભણે છે અને ફક્ત એક જ શિક્ષકથી આ શાળા ચાલે છે. ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ડબલ એન્જિનના નારા લગાવવામાં આવે છે પરંતુ અહીંયા દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ છે. અમારા આદિવાસી સમાજના આ નાના નાના ભૂલકાઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ભણે છે. અહીંયા શાળામાં વરસાદના કારણે એટલું કાદવ કિચડ થઈ ગયું છે કે પેવર બ્લોક પણ દેખાતા નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, મારે પ્રશાસનને પણ કહેવું છે કે આ પ્રાથમિક શાળા ખૂબ જ નીચાણવાળી જગ્યામાં આપવામાં આવી છે તો અમારી માંગ છે કે ઘણી એવી જગ્યા છે જે થોડી ઊંચાઈ પર છે તો ત્યાં બાંધકામ કરી આપવામાં આવે કારણ કે અહીંયાનું જે બાંધકામ છે એ ખૂબ જ જુના જમાનાનું પણ છે. આ બાળકો પણ કહી રહ્યા છે કે ફક્ત એક જ શિક્ષક છે તો આવી પરિસ્થિતિમાં આ બાળકોનો શું વાંક? સરકાર આ બાળકોને ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. વધુમાં વધુ શિક્ષકોની ભરતી કરીને ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષકો મૂકવામાં આવે અને શાળાઓની પરિસ્થિતિ સુધારવામાં આવે એવી અમારી માંગ છે.




