Gopal Italia News: ગાંધીનગરમાં પરિવર્તનના સંકલ્પ સાથે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaની વિશેષ ઉપસ્થિતિમાં ઈન્દ્રનગર, સેક્ટર-૨૪ ખાતે જનસભા યોજાઈ હતી. જનતાને સંબોધતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપે દાદાગીરી કરીને દેશભરના ૧૨ કરોડ લોકોના નામ ભારતની મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે જેથી લોકોનો વોટ આપવાનો અધિકાર છીનવી શકાય. સામાન્ય અને નાના માણસોને પાંચ વર્ષ સુધી મોટા નેતાઓ કે અધિકારીઓ કોઈ ઈજ્જત, આબરૂ કે માન આપતા નથી કે આપણી સાર-સંભાળ રાખતા નથી. પરંતુ પાંચ વર્ષમાં એકવાર ચૂંટણી આવે ત્યારે ગમે તેવો મોટો તોપ જેવો નેતા હોય તો પણ તેણે ઝૂકવું પડે છે અને દરેક પાર્ટીના નેતાઓએ તમારા ઘરે તથા મહોલ્લામાં આવીને સ્ટીકર લગાવવા, સમજાવવા અને મનાવવાની વાતો કરવી પડે છે, કારણ કે તમારી પાસે બટન દબાવવાનો અને મત આપવાનો પાવર છે.
ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં ઉમેર્યું કે જો ચૂંટણી સમયે ભાજપવાળા પૈસા કે કોઈ વસ્તુ આપવા આવે તો શરમ રાખ્યા વગર લઈ લેજો, કારણ કે એ આપણા જ બૂચ મારેલા પૈસા છે અને આપણો જ અધિકાર છે. કોઈને ૫૦૦ રૂપિયા આપે તો મહોલ્લામાં બીજાને પણ કહી આવવું કે તું પણ જઈને લઈ આવ, ખવડાવે તો ખાઈ લેવું અને વસ્તુ આપે તો લઈ લેવી; પરંતુ મતદાનના દિવસે માત્ર ઝાડુનું બટન દબાવી દેવાનું જેથી આ બધી ગંદકી કાયમ માટે સાફ થઈ જાય. ભાજપ આપણને વેચાતા રાખવાની કોશિશ કરે છે. આપણે માણસ છીએ અને આપણા માટે તથા આપણા બાળકો માટે સારી સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી સરકારની છે, પરંતુ આ સરકાર ગરીબ માણસ આગળ આવવાને બદલે વધુ ગરીબ થાય તેવી વ્યવસ્થાઓ કરી રહી છે. રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં ભાજપના શાસનમાં કેવી ખરાબ પરિસ્થિતિ છે તે આપણે સૌ જોઈ શકીએ છીએ.
ગોપાલ ઈટાલિયાએ પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું કે, મેં પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાઈને સતત સંઘર્ષ કર્યો અને ધારાસભ્ય બન્યો. ગરીબ, ગામડાનો અને સામાન્ય પરિવારનો છોકરો ધારાસભ્ય બને એ સારું કે કરોડપતિના દીકરા બને એ સારું? અમીરો પાસે પૈસા છે પરંતુ વોટ તો તમારી પાસે વધારે છે, માટે જાગૃત થવાની જરૂર છે. આપણે ભાજપ અને કોંગ્રેસને ૩૦-૩૦ વર્ષ આપ્યા, છતાં ના આપણે આગળ આવ્યા કે ના આપણા બાળકોનું ભવિષ્ય સુધર્યું. આપણી જ ભૂલથી જીતેલા નેતાઓ દારૂ-ગાંજો વેચાવડાવે છે અને પ્રજાને લૂંટે છે. હવે મોટા માણસોને બદલે નાના, ભણેલા-ગણેલા અને યુવાન માણસોને તક આપો. આ વખતે તમારો મત ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને આપવાના બદલે તમારા બાળકોના નામે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપજો.




