Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી જીત બાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે પોતાના ખર્ચે લડતા એવા કુલ 5,445 ઉમેદવારો ક્રાંતિ વીર તરીકે ગુજરાતને આ ચૂંટણીમાં મળ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર ઉમેદવારી અટકાવવાના પ્રયાસો, મજબૂતીથી લડવાની પરિસ્થિતિ અને ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ વચ્ચે આ તમામ ઉમેદવારોએ મજબૂતાઈથી ચૂંટણી લડી છે. તેમણે તમામને લાખ લાખ આભાર વ્યક્ત કરતા કહ્યું કે ભાજપની તાનાશાહી, ગુંડાગર્દી, મિસઇન્ફોર્મેશન વાયરલ કરવી, અનેક કાર્યકર્તાઓને જેલમાં નાખવા અને એફઆઈઆર કરવા જેવી પરિસ્થિતિ વચ્ચે આ ઉમેદવારો ગુજરાતની જનતા માટે લડવૈયા સાબિત થયા છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના સંગઠન અને કાર્યકર્તાઓના કારણે ખૂબ સારા પરિણામો લાવી છે, જે જનતાની જીત છે. પાર્ટીએ અગાઉ પણ જણાવ્યું હતું કે અમે માત્ર નિમિત્ત છીએ, આ જીત ગુજરાતની જનતાની છે અને જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અનેક બેઠકોમાં પાર્ટીને મજબૂત સપોર્ટ મળ્યો છે, જેના કારણે ગુજરાતની જનતાને હવે વિકલ્પ મળ્યો છે અને આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે.
Isudan Gadhviએ વધુમાં જણાવ્યું હતુ કે આંકડાઓ મુજબ કુલ 5,445 ઉમેદવારોમાંથી અત્યાર સુધી 2,260 થી 2,600 જેટલા પરિણામો જાહેર થયા છે. તેમાં ભાજપે અંદાજે 1,500+ સીટો, આમ આદમી પાર્ટીએ 366 સીટો અને કોંગ્રેસે અંદાજે 261 સીટો મેળવી છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં મજબૂત રીતે બીજા ક્રમે પરફોર્મ કર્યું છે. તાલુકા પંચાયતમાં પાર્ટીએ લગભગ 100 સીટો જીતી છે, જિલ્લા પંચાયતમાં 45 સીટો, તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મળીને 18+ સીટો અને મહાનગરપાલિકામાં લગભગ 6+ સીટો પર જીત મેળવી છે. અનેક જગ્યાએ તાલુકા પંચાયત બનાવવાની સ્થિતિમાં પાર્ટી છે, જિલ્લા પંચાયતમાં પણ મજબૂત સ્થિતિ છે અને નગરપાલિકાઓમાં સારા વિપક્ષ તરીકે ઉભરી આવી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે આ જીતનો શ્રેય તમામ કાર્યકર્તાઓ, ઉમેદવારો, તેમના પરિવારજનો અને તમામ લીડર્સને જાય છે જેમણે ભાજપની તાનાશાહી, ગુંડાગીરી અને દબાણ સામે મજબૂતીથી લડત આપી છે. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને જે ચુકાદો આપ્યો છે તે સ્વીકાર્ય છે અને પાર્ટી જનતાની વચ્ચે રહીને આગામી 5 વર્ષ સુધી તમામ સ્તરે લોકોના કામ, હક અને અધિકારો માટે લડતી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણી બેઠકો પર નાના માર્જિનથી જીત-હાર થઈ છે, પરંતુ તમામ ઉમેદવારો માટે પાર્ટી સંપૂર્ણ સમર્પિત રહેશે. અનેક ઉમેદવારો એવા હતા જેમણે આર્થિક મુશ્કેલી છતાં ઉછીના પૈસા લઈને ચૂંટણી લડી, છતાં મજબૂત પરિણામો આપ્યા. તેની સામે ભાજપની સંપત્તિ, પોલીસનો દુરુપયોગ અને અન્ય ગઠબંધન છતાં પણ જનતાએ આમ આદમી પાર્ટીને મોટો પ્રેમ આપ્યો છે.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે આ જીત બાદ પાર્ટી વધુ મજબૂતાઈથી મેદાનમાં આવશે અને 2027ની ચૂંટણીમાં પરિવર્તન માટે તૈયારી કરશે. તેમણે કહ્યું કે ઘણી જગ્યાએ ડરાવવાની, ધમકાવવાની, લાલચ અને દબાણની રાજનીતિ થઈ હોવા છતાં જનતાએ લોકતંત્ર બચાવ્યું છે. સુરતના પરિણામો અંગે તેમણે જણાવ્યું કે સુરતનું પરિણામ ચોકાવનારું અને શોકિંગ છે. આનું અમે એનાલિસિસ કરીશું ત્યારબાદ ખ્યાલ આવશે ક્યાં અમારી કચાસ રહી ગઈ છે. બાકી જનતાએ જે ચુકાદો આપ્યો છે એ અમારા માટે શિરોમાન્ય છે. ગુજરાતની જનતાને કહેવા માગું છું તમારા માધ્યમથી પહોંચાડવું કે જ્યારે ઉમેદવારો શોધવામાં, ઉમેદવારોને લડાવવાની વાત હતી ત્યારે ઘણી જગ્યાએ જાતિ, ધર્મના આધાર પર ડરાવતા-ધમકાવતા હતા કે ધંધો ન કરાય, ચૂંટણી ન લડાય. ઘણા લોકો અમારી સાથે ન લડી શક્યા કારણ કે આર્થિક રીતે પણ મુશ્કેલી હતી. ત્યારબાદ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે પણ પ્રલોભન, ધમકી, પોલીસનો દુરુપયોગ, ઉપાડી જવું જેવી ઘટનાઓ બની. છતાં પણ મોટા ભાગના ઉમેદવારો ઊભા રહ્યા, મજબૂતાઈથી લડ્યા. આગામી સમયમાં ચૂંટણી પણ બિનહરીફ કરી દેવાની કોશિશ થઈ શકે છે. પરંતુ અમારા ઉમેદવારો ક્રાંતિવીરો છે, ગુજરાતની જનતા માટે લડવા માટે તૈયાર છે અને મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ગુજરાતની જનતાની સેવા કરશે.




