આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય Umesh Makwanaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સરચાર્જમાં યુનિટ દીઠ ચાલીસ પૈસા જેવો નજીવો ઘટાડો કરીને ગુજરાતની જનતાની મજાક ઉડાવી છે અને આમ આદમી પાર્ટી આને સખત શબ્દોમાં વખોડે છે. થોડા સમય પહેલા મેં ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ગુજરાતના લોકોને પણ 200 થી 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે.

હવે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા યુનિટ દીઠ માત્ર અને માત્ર 40 પૈસાનો નજીવો ઘટાડો કરીને ગુજરાતી જનતાની મજાક ઉડાવી છે. હું આજે ફરી એકવાર ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને વિનંતી કરું છું કે જે રીતે પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે અને દિલ્હીમાં છેલ્લા સાત વર્ષથી 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે, તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ 200 થી 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવે એવી હું માંગણી કરું છું.