Niranjan Vasava AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે ભાજપ દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને મોટા તાયફાઓ અને કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના છોટાઉદેપુર જિલ્લાના કાર્યક્રમ માટે માત્ર 6 તાલુકાઓમાં જ અંદાજે 465 જેટલી સરકારી અને પ્રાઇવેટ બસો ફાળવવામાં આવી હતી. છોટાઉદેપુરમાં 7,000લોકો માટે 117 બસ, બોડેલીમાં 2,035 લોકો માટે બસો, સંખેડામાં 2,000 લોકો માટે 35 બસ, કદવાલમાં 30 બસ, જેતપુરમાં 138 પિંક બસ અને કવાટમાં 107 બસો ફાળવીને કરોડો રૂપિયાનો સરકારી ધનનો વેડફાટ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા અને લોકોની હાજરી ગણવા માટે તલાટીઓ, શિક્ષકો, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ મનરેગા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને ફરજ પર લગાડવામાં આવ્યા હતા, જેના કારણે પ્રજાના કામો અટવાયા છે અને કર્મચારીઓને ગુલામની જેમ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.
વધુમાં નિરંજન વસાવાએ જણાવ્યુ હતુ કે નર્મદા ડેમમાંથી પાણી અન્યત્ર જાય છે પરંતુ સ્થાનિક આદિવાસીઓને પીવા કે સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. જળ, જંગલ અને જમીનના પ્રશ્નો તેમજ લાખો જમીન સનદોના દાવાઓ હજુ પણ પેન્ડિંગ છે ત્યારે સરકાર માત્ર મોટા ટેન્ટ બાંધીને દેખાડા કરી રહી છે. પ્રાથમિક શાળાઓ એક જ શિક્ષકથી ચાલી રહી છે, કુપોષણ અને આરોગ્યની ગંભીર સમસ્યાઓ છે અને યુવાનો માટે રોજગારીની કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી. અંગ્રેજોના સમય કરતા પણ હાલમાં મીઠા અને લોટ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓ પર ભારે ટેક્સ વસૂલીને પ્રજાનું શોષણ થઈ રહ્યું છે. ભાજપ સરકાર આદિવાસી સમાજ અને બિરસા મુંડાજીના નામનો માત્ર રાજકીય ઉપયોગ કરી રહી છે પરંતુ જમીની હકીકત અને જનતાના વાસ્તવિક પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ જ કામગીરી કરી રહી નથી.




